પાંચ રાજ્યોના વિધાનસભાના પરિણામો આવી જતાં ભાજપની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. સુરત કોંગ્રેસ દ્વારા જીતના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે ભાજપનો કરુણ રકાસ થતાં ભાજપ કાર્યાલય પર કાગડા ઉડતા દેખાયા હતા. ભાજપ કાર્યાલયમાં સૂનકાર વ્યાપી ગયો હતો.
સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ સત્ય ડે સાથે વાત કરતા કહ્યું કે ભાજપના ગંદા પ્રચારનો લોકોએ જવાબ આપ્યો છે. રાફેલ જેવા પ્રકરણોમાં નરેન્દ્ર મોદીએ 30 હજાર કરોડ રૂપિયા અંબાણીના ગજવામાં નાંખી દીધા તેના કારણે ભાજપનો પરાજય અને કોંગ્રેસનો વિજય થયો છે.
સુરતના લીંબાયતમાં વિસ્તારમાં પણ કોંગ્રેસની જીતની ઉજવણી કરવામાં આવી હતી. ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી. કોર્પોરેટર રવિન્દ્ર પાટીલ સહિત કોંગ્રેસના કાર્યકરોએ છત્તીસગઢ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસના વિજયને વધાવી લીધો હતો. ઢોલ-નગારા સાથે કોંગ્રેસના કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા.
બીજી તરફ સુરત ભાજપના કાર્યાલય પર સન્નાટો જોવા મળ્યો હતો. હંગામો થવાની શંકાને લઈ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દેશમાં ગમે ત્યાં ચૂંટણી થાય અને ભાજપ જીતે તો સુરત ભાજપના નેતાઓ જીતનો ઉત્સવ મનાવતા પરંતુ આજે વિપરીત પરિણામો આવતા સુરત ભાજપના નેતાઓના ક્યાંય પણ જોવા મળ્યા ન હતા. ભાજપ કાર્યાલય પર એએસઆઈ સહિત બે કોન્સટેબલોને બંદોબસ્તમાં મૂકી દેવામાં આવ્યા છે.