કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ દ્વારા સમગ્ર દેશના બાળસુરક્ષા ગૃહના બાળકો માટે હોંસલા 2018 રમત ગમતનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવ્યુ હતુ.જેમાં ગુજરાત રાજ્ય માંથી પસંદગી પામેલા 34 બાળકો પૈકી ધરાસણા બાળ સુરક્ષા ગૃહની અમિત સાનકરએ ઉંચી કૂદમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ગુજરાતમાંથી એકમાત્ર સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો.આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ તારાબેન ખાંડાવાલા તેમજ સ્ટાફ દ્વારા તેની સન્માન કરાયું હતું.

ભારત સરકારના કેન્દ્રીય મંત્રી દ્વારા હોંસલા 2018 અંતર્ગત દેશના તમામ બાળસુરક્ષા ગૃહના બાળકો માટે દિલ્હી ખાતે રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે ગુજરાત રાજ્યમાંથી 34 બાળકો આ સ્પર્ધા માટે પસંદગી પામ્યા હતા.જેમાં વલસાડ જિલ્લાના ધરાસણા અગ્રિકલચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન સંચાલિત બાળસુરક્ષા ગૃહની એક આદિવાસી વિદ્યાર્થિની અમિતા બેન મનાભાઈ સાનકર ઊંચી કૂદ માટે પસંદગી પામી હતી.૧૩ વર્ષીય આ વિદ્યાર્થિનીએ દિલ્હી ખાતે યોજાયેલા રમતગમતનીં ઊંચી કૂદની સ્પર્ધામાં ઉમદા પ્રદર્શન થકી દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો.ગુજરાતમાંથી સ્પર્ધામાં ગયેલા 34 બાળકો પૈકી અમીતાએ એકમાત્ર સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.તેણીએ હાંસલ કરેલી આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ તારાબેન ખાંડાવાલા તેમજ બાળ સુરક્ષા ગૃહના સ્ટાફે આનંદ અને ગૌરવની લાગણી અનુભવી જીવનમાં વધુ પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપી તેનું સન્માન કર્યું હતું.