T20 World Cup 2024 : ફ્લોરિડામાં આયર્લેન્ડ અને યુએસએ વચ્ચે રમાયેલી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. પરંતુ, આ મેચ ધોવાઈ જવાથી પાકિસ્તાન ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. હા, બાબર આઝમની કપ્તાનીવાળી પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. તે જ સમયે, મોનાંક પટેલની આગેવાની હેઠળ યુએસએની ટીમ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમ વખત સુપર-8 માટે ક્વોલિફાય થઈ છે.
આયર્લેન્ડ-યુએસએ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ
ફ્લોરિડામાં આયર્લેન્ડ અને યુએસએ વચ્ચે મહત્વની મેચ રમાવાની હતી. સુપર-8ની ક્વોલિફિકેશન માટે આ મેચ ખૂબ મહત્વની હતી. પરંતુ, ફ્લોરિડામાં ખરાબ હવામાનને કારણે આ મેચ રદ કરવામાં આવી હતી. લાંબા સમય સુધી રાહ જોવામાં આવી હતી, પરંતુ તેમ છતાં મેચ ન થઈ શકી અને આખરે અધિકારીઓએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો. પરિણામે, બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યો.
1 પોઈન્ટ મેળવ્યા બાદ, મોનાંક પટેલની આગેવાની હેઠળની યુએસએની ટીમ 5 પોઈન્ટ સાથે સુપર-8 માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. એટલું જ નહીં, હવે યુએસએની ટીમ 2026માં ભારત-શ્રીલંકા વચ્ચે યોજાનાર ટી20 વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે.
https://twitter.com/ICC/status/1801669683126337762
પાકિસ્તાન બહાર
પાકિસ્તાન ક્રિકેટ ટીમ પણ આયર્લેન્ડ અને યુએસએ વચ્ચે રમાનારી મેચ પર નજર રાખી રહી હતી. કારણ કે, જો આયર્લેન્ડે યુએસએને હરાવીને આ મેચ જીતી હોત તો બાબર આઝમની ટીમ ટુર્નામેન્ટમાં જ રહી હોત. પરંતુ એવું ન થયું અને વરસાદના કારણે મેચ રદ્દ થઈ ગઈ અને પાકિસ્તાનની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ.
પાકિસ્તાને અત્યાર સુધી 3 મેચ રમી છે જેમાંથી તેને માત્ર 1 મેચમાં જ જીત મળી છે. આવી સ્થિતિમાં તેના 2 પોઈન્ટ છે, જ્યારે ટીમ ઈન્ડિયા પહેલા જ 6 પોઈન્ટ સાથે T-20 વર્લ્ડ કપ 2024માં ગ્રુપ Aમાંથી ક્વોલિફાઈ થઈ ગઈ હતી. તે જ સમયે, આયરલેન્ડ સાથેની મેચ રદ્દ થયા બાદ યુએસએએ પણ સુપર-8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તમને જણાવી દઈએ કે, USA એ T20 વર્લ્ડ કપ 2024માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેઓએ પહેલા પાકિસ્તાનને હરાવીને અપસેટ સર્જ્યો અને પછી ભારતને પણ સારી લડત આપી.