સુરતના રાજદ્રોહના કેસમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના અગ્રણી અલ્પેશ કથીરીયાને સુરતની કોર્ટે જામીન આપી દીધા છે.અલ્પેશ કથીરીયાના જામીન મંજુર થતાં તેમના નિવાસે આનંદનો માહોલ સર્જાણો હતો. પરંતુ પાસના કાર્યકરો માટે માઠા સમાચાર એ છે કે હજુ કથીરીયાને જેલમાં જ રહેવું પડશે.
અલ્પેશ કથીરીયાના વકીલે કહ્યું કે ગયા મહિનાની 20મી તારીખે સુરત પોલીસે અલ્પેશ કથીરીયાની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી. અમદાવાદના રાજદ્રોહના કેસમાં કથીરીયાને જામીન મળવાના આગલા દિવસે સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા કોર્ટમાં પોલીસની ગંભીરતા વિશે વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી.
કથીરીયાને 25 હજારના જામીન પર મૂક્ત કરવામાં આવ્યા છે અને ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવાની રહેશે. કથીરીયાને જામીન મૂક્ત કરવામાં આવ્યા તો કેટલીક શરતો પણ કોર્ટ દ્વારા મૂકવામાં આવી છે.
સુરતના રાજદ્રોહના કેસમાં જામીન મળ્યા બાદ પણ કથીરીયા જેલમાંથી મૂક્ત થશે નહીં કારણ કે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં 307ના કેસમાં કથીરીયાની ધરપકડ કરવામાં આવી છે. અમરોલીમાં ગુના રજિસ્ટર્ડ નંબર 226/2017નો કેસ પેન્ડીંગ છે. આ કેસમાં કથીરાયાને જામીન મળ્યા નથી. વકીલે કહ્યું કે આ કેસમાં પણ આવતીકાલે જામીન અરજી દાખલ કરવામાં આવશે.