લોકરક્ષક ભરતી કૌભાંડમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કર્યા બાદ મોટા મગરમચ્છો સુધી તપાસનો રેલો પહોંચશે. પોલીસે કૌભાંડના સૂત્રધાર તરીકે વડોદરામાં સેનેટરી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા યશપાલસિંહ સોલંકી હોવાનું જણાવ્યું છે. જ્યારે આ કૌભાંડમાં મનહર પટેલ, મુકેશ ચૌધરી, પીએસઆઈ પીવી પટેલ, રૂપલ શર્માની સંડોવણી બહાર આવી છે.
વિગતો મુજબ રૂપલ શર્માને જયેશ નામના વચેટીયા દ્વારા આન્સરશીટ આપવામાં આવતી હતી અને રૂપલ ત્યાર બાદ ઉત્તરવહીનો સોદો કરતી હતી. રૂપલ શર્મા ગાંધીનગરમાં શ્રીરામ હોસ્ટેલની સંચાલિક છે. પરીક્ષાના દિવસે રૂપલ શર્માને આન્સરશીટ આપવા માટે જયેશ આવ્યો હતો. યશપાલ દ્વારા એક આન્સરશીટના પાંચ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. યશપાલસિંહ લૂણાવાડાનો વતની છે.
આ ઉપરાંત પોલીસે મનહર પટેલને પણ ઉંચકી લીધો છે. મનહર પટેલ બનાસકાંઠાના અરજણ ગામનો રહીશ છે. મનહર પટેલ અગાઉ પણ પેપર લીક કરી ચૂક્યો હોવાનું બહાર આવ્યું છે.
જ્યારે મુકેશ ચૌધરી ભાજપનો કાર્યકરો હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે ભાજપના ક્યા નેતાનો આ કૌભાંડ પાછળ દોરીસંચાર હતો કે કેમ? તે એક પ્રશ્ન છે. કોઈ પણ કૌભાંડ સરકારના મોટા માથાની સંડોવણી વગર શક્ય નથી. પેપર અને ત્યાર બાદ આન્સરશીટ એમ બન્ને કૌભાંડમાં સરકારના ટોચના લોકોના મેળાપીપણા વગર શક્ય બની શકે નહીં. હાલ તો એવું લાગે છે કે જાડા નરોને શોધીને પોલીસે જેલમાં ધકેલી દીધા છે.
બીજી તરફ કોંગ્રેસના નેતાઓએ આખાય કૌભાંડ અંગે સોશિયલ મીડિયા અને મીડિયામાં નિવેદનબાજી કર્યા સિવાય બીજું કશું કર્યું નહીં. વિપક્ષ તરીકે કોંગ્રેસની અસરકારકતા ફરી એક વાર સરેઆમ નિષ્ફળ જઈ રહી છે. મજબૂતવિપક્ષ તરીકે કોંગ્રેસ પાસે અપેક્ષા હતી કે આખાય કૌભાંડમાં કોંગ્રેસ મોટાપાયા પર સરકાર વિરુદ્વ હલ્લાબોલ કરશે પરંતુ એવું કશું દેખાઈ રહ્યું નથી. કોંગ્રેસના નેતાઓ નબળા અને અપરિપકવ પુરવાર થઈ રહ્યા હોવાનું ફરી સાબિત થઈ રહ્યું છે.