શહેર નજીકના વરિયાવમાં ઓએનજીસી દ્વારા ખેડૂતોને કોઈ પણ પ્રકારે જાણ કર્યા વિના અને કોઈ પણ જાતનું વળતર ચૂકવ્યા વગર જ પોલીસ સાથે આવી બળપ્રયોગ કરી ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી કરાતાં ખેડૂતોએ કામગીરીનો વિરોધ કર્યો હતો. પરિણામે ઘર્ષણ બાદ કામગીરી થંભાવી દેવી પડી હતી.
ઓએનજીસી દ્વારા હાલ ઓલપાડ તાલુકાનાં ગામોથી સુરત શહેર તરફ ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. વરિયાવના શેરડી ગામના ખેતરમાં ગેસ પાઇપ લાઇન નાખવાની કામગીરી કંપની દ્વારા શરૂ કરવામાં આવી હતી. કંપની દ્વારા ખેડૂતોને તેમની જમીનનું અને ખેતરમાં થયેલા પાકોની નુકસાનીનું વળતર આપ્યા વગર જ વરિયાવ ગામની સીમના ખેતરમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઓએનજીસીના અધિકારીઓ કામગીરી કરવા જતાં ગામના ખેડૂતો ભેગા મળી કામગીરીનો વિરોધ કરી અટકાવ્યા હતા.