એવું કહેવાય છે કે જે પાર્ટીનો ઉમેદવાર વલસાડ લોકસભાની સીટ જીતે છે તેની કેન્દ્રમાં સરકાર બને છે. 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને વલસાડ બેઠક પર સૌ કોઈની નજર રહે તે સ્વભાવિક છે. હાલ વલસાડ સાંસદ તરીકે ભાજપનાં કેસી પટેલ છે. સાંસદ તરીકે કેસી પટેલની કામગીરી કેવી રહી હતી તે વલસાડની પ્રજા જાણે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કપરાડાની બેઠક ભાજપે ગુમાવ્યા બાદ કેસી પટેલે શિક્ષકોને ચેતવણી આપી હતી ત્યારથી તેઓ વિવાદમાં આવ્યા હતા. ત્યાર બાદ દિલ્હીની મહિલાએ તેમના પર ખોટા આરોપ મૂક્યા અને એ મહિલાને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવી હતી. કેસી પટેલની સાંસદ તરીકેની કામગીરી અંગે મિશ્ર પ્રતિભાવો મળી રહ્યા છે. પરંતુ, પરંતુ કેસી પટેલને પોતાના ઘરમાંથી જ આ વખતે પડકાર મળી શકે તેમ છે.
વલસાડ લોકસભાની વાત કરીએ તો કેસી પટેલનો ભાજપ પાસે કોઈ વિકલ્પ નથી. એસસી બેઠક હોવાથી જનરલ કેટેગરીનાં ઉમેદવારોનું કશું આવી શકે તેમ છે. કોંગ્રેસના કિશન પટેલની દશા કફોડી છે. કિશન પટેલ હોમ ટાઉન ઘરમપુરની વિધાનસભાની બેઠક બચાવી શક્યા ન હતા અને આ ઉપરાંત તેઓ બે વખત લોકસભા હારી ચૂક્યા છે.
ભાજપ વર્તુળોના જણાવ્યા મુજબ 2014માં કેસી પટેલનું અચાનક જ સામે આવ્યું હતું. 2014માં કેસીના ભાઈ ડીસી પટેલને ટીકીટ મળવાની ધારણા હતી. ડીસી પટેલનું વલસાડ ભાજપ અને અન્ય રીતે મોટું નામ છે પરંતુ ભાજપની ઉપલી નેતાગીરીમાં તેમનો ગજ વાગતો ન હતો અને ટીકીટ તેમના જ ભાઈ કેસી પટેલને મળી હતી.
ભાજપના ઉમેદવાર કેસી પટેલ કોંગ્રેસના બે વખતના સાંસદ કિશન પટેલ સામે વલસાડ સીટમાંથી 2,08,412 મતોના જંગી માર્જિનથી જીત્યા હતા. વલસાડને ગુજરાતની સૌથી નસીબદાર બેઠક માનવામાં આવે છે.
2004માં કૉંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ -1 ની રચના થઈ ત્યારે 2004માં કિશન પટેલ વિજય મેળવ્યો હતો. 2014માં કોંગ્રેસે કિશન પટેલને ત્રીજી વખત ટિકિટ આપી હતી પરંતુ કિશન પટેલને 4,08,003 મત મળ્યા હતા જ્યારે ભાજપના કેસી પટેલને 6,16,415 મત મળ્યા હતા. જ્યારે નોટાના 26,552 વોટ નીકળ્યા હતા. નોટા ભાજપ-કોંગ્રેસ પછી ત્રીજા નંબર રહ્યું હતું.
ઈતિહાસ રહ્યો છે કે જે પાર્ટીએ વલસાડ લોકસભા જીતી છે તેની કેન્દ્રમાં સરકાર બની છે. વલસાડને દિલ્હીનું ગેટ વે માનવામાં આવે છે.
1996માં વાજપેયીની 13 દિવસની સરકાર હતી ત્યારે પણ ભાજપે વલસાડ સીટ જીતી હતી અને ત્યાર બાદ આવેલી ચૂંટણીમાં પણ ભાજપે જીત મેળવી હતી. 1998 અને 1999ની ચૂંટણીમાં પણ ભાજપે વિજય મેળવ્યો હતો અને કેન્દ્રમાં ભાજપની સરકારો બની હતી.