(સૈયદ શકીલ દ્વારા): ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની વહેતી થયેલી ચર્ચામાં રાજકીય જાણકારો સત્ય ડેના અહેવાલ અંગે દાંત કાઢી રહ્યા છે ત્યારે ભાજપ હાઈકમાન્ડની ભીતરમાં નેતૃત્વ પરિવર્તનને લઈ ભારે ચૂપકીદી સેવવામાં આવી રહી છે તો પણ વાતોની વાત એવી છે કે ગુજરાતમાં વિજય રૂપાણીને બદલીને નવા સીએમ બનાવવા માટે ભાજપ હાઈકમાન્ડે મન મક્કમ કરી લીધું છે.
ગુજરાતમાં જે પ્રકારે આનંદીબેનને અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યા છે એ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ હજમ થઈ ન હતી. ગુજરાત વિધાનસભામાં ચૂંટણીને અમિત શાહ અને ગુજરાતની નેતાગીરીએ મોટા ઉપાડે દેકારો મચાવ્યો હતો પણ છેવટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીને માથા પર લીધી હતી અને ભાજપ હારતાં-હારતાં બચી ગયું હતું. સત્તા જેટલી સીટો મળતા ગુજરાત ભાજપની નેતાગીરીએ જાણો મોટું તીર માર્યું હોય તેમ ઉજાણી તો કરી લીધી પણ સરકાર ચલાવવામાં ઊણી ઉતરતાં ભાજપ હાઈકમાન્ડની કમાન છટકી ગઈ છે.
વર્તુળો મુજબ પુરુષોત્તમ રૂપાલાના નામની સંઘ તરફેણ કરી રહ્યું છે તો સાથો સાથ આનંદીબેન પટેલ અને વજુભાઈવાળાને પણ ગુજરાત રિટર્ન મોકલવાની વિચારણા કરવામાં આવી રહી છે. ડિસેમ્બર મધ્યમાં ગુજરાતમાં અચાનક જ વિજય રૂપાણી મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દે એવા સમાચારો મીડિયાને મળી શકે છે. હાલ સત્ય ડે રિપોર્ટ પર દાંત કાઢતી મીડિયા તે વખતે ક્રેડીટ લેવા માટે પડાપડી કરતાં પણ ખંચકાશે નહીં એ નક્કી છે.
વર્તુળો મુજબ વિજય રૂપાણીએ લોકસભા ચૂંટણી સુધી પોતાને ચાલુ રાખવા માટે વિનંતી કરી હોવાની માહિતી છે પરંતુ ભાજપ હાઈકમાન્ડે તેમની માંગણી ગ્રાહ્ય રાખી નથી. ભાજપ હાઈકમાન્ડ સ્પષ્ટપણે માની રહ્યું છે કે ગુજરાતમાં દિવસે દિવસે બગડતી જઈ રહેલી વહીવટી સ્થિતિને કાબૂમાં લેવામાં ન આવે તો આવનાર દિવસોમાં 25 વર્ષથી ભાજપનો અભેધ કિલ્લો ગણાતા ગુજરાતને ખોવાનો વારો આવી શકે છે.
માહિતી મુજબ વિજય રૂપાણી દ્વારા કૌશિક પટેલનું નામ વિકલ્પ તરીકે આપ્યું છે પરંતુ ભાજપ હાઈકમાન્ડને કૌશિક પટેલનું નામ ચાલી શકે એમ નથી. હાલ ગુજરાત ભાજપને એવા નેતાની જરૂર છે જે વહીવટી માળખા સહિત ગુજરાતના સામાજિક તાણાવાણામાં ફીટ બેસી શકે. સાતમી ડિસેમ્બરથી આચારસંહિતા સમાપ્ત થાય છે ત્યારે ગમે તે ઘડીએ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનનો ફૂગ્ગો ફૂટશે એ વાતને દિલ્હી ભાજપના સૂત્રો નકારી રહ્યા નથી.
એવું કહેવાય છે કે અમિત શાહ દ્વારા વિજય રૂપાણીને નેતૃત્વ પરિવર્તન અંગે જાણ કરી દેવામાં આવી છે. પુરુષોત્તમ રૂપાલા ઉપરાંત આનંદીબેન પટેલ, વજુભાઈ વાળા, કૌશિક પટેલ, આરસી ફળદુ વગેરેના નામો પર એક પછી એક ચર્ચા કરવામાં આવી રહી છે.