Mother Dairy Rate Hike: લોકસભાની ચૂંટણી પૂરી થતાની સાથે જ દેશની બે સૌથી મોટી દૂધ ઉત્પાદક કંપનીઓએ તેમના ઉત્પાદનોના ભાવમાં વધારો કર્યો છે. પહેલા અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો હતો. માત્ર 12 કલાક બાદ મધર ડેરીએ પણ તેના ઉત્પાદનોના ભાવ વધારવાની જાહેરાત કરી હતી. કંપનીના જણાવ્યા અનુસાર, મધર ડેરીએ 3 જૂનથી તાજા પાઉચ દૂધ (તમામ પ્રકારના)ના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે.
અગાઉ, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ જણાવ્યું હતું કે દૂધની કુલ કામગીરી અને ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સોમવારથી તમામ પ્રકારના અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે દેશભરના તમામ બજારોમાં અમૂલ દૂધના પાઉચની કિંમતમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો થશે.
GCMMF અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે. જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર જયન મહેતાએ જણાવ્યું હતું કે અમૂલ બ્રાન્ડ હેઠળના તમામ પ્રકારના દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લી વખત GCNMF એ ફેબ્રુઆરી 2023 માં દૂધના ભાવમાં વધારો કર્યો હતો. મહેતાએ જણાવ્યું હતું કે ખેડૂતોને તેમના વધેલા ઉત્પાદન ખર્ચની ભરપાઈ કરવા માટે આ વધારો જરૂરી છે.
GCMMF અનુસાર, અમૂલ એક નીતિ તરીકે ગ્રાહકો દ્વારા દૂધ અને દૂધની બનાવટો માટે ઉત્પાદકોને ચૂકવવામાં આવતા પ્રત્યેક રૂપિયાના લગભગ 80 પૈસા ચૂકવે છે. ભાવ સુધારણા અમારા દૂધ ઉત્પાદકોને દૂધના વળતરના ભાવ જાળવી રાખવામાં મદદ કરશે અને તેમને વધુ દૂધનું ઉત્પાદન કરવા પ્રોત્સાહિત કરશે, એમ નિવેદનમાં જણાવાયું છે.