WhatsApp પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી રોકવા માટે ભારત સરકારે નવો કાયદો અમલમાં મુકવાની તૈયારી કરી છે. વોટ્સએપ ગૃપમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી વધારે પ્રમાણમાં શેર કરવામાં આવે છે અને તે હવે ગંભીર સમસ્યા બની ગઈ છે. આ અંગે મળતી માહિતીનુસાર સરકારે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ એક્ટમાં કેટલાક સંશોધન કરવાની તૈયારી કરી છે.
આ સંશોધન અનુસાર જો કોઈ WhatsApp પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી ક્લિપ શેર કરશે તો તેને સાત વર્ષની સજા થઈ શકે છે. આ સજામાં ગુનેગારને કોઈ જામીન પણ મળશે નહીં. આ સજા ઉપરાંત તે વ્યક્તિએ દંડ પણ ભરવો પડશે. પ્રસ્તાવિત કાયદા હેઠળ તમામ યૂઝર્સ માટે જરૂરી હશે કે તેની પાસે કોઈ ક્લિપ આવે છે તો તે અધિકારીઓને જાણ કરે. જે યૂઝર આવું નહીં કરે તેને પણ દંડ ભરવો પડશે.
આ અંગે મળતી માહિતી અનુસાર આ એક્ટમાં કરવામાં આવેલા પ્રસ્તાવિત ફેરફાર પર કાયદા મંત્રાલય અને મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયની મંજૂરીની મહોર લાગે તેની રાહ જોવાઈ રહી છે. આ મંજૂરી આગામી બે સપ્તાહમાં મળી જશે તેવું જાણવા મળે છે.
આ સંશોધન અનુસાર જો કોઈ વ્યક્તિ WhatsApp પર શેર કરવા માટે ચાઈલ્ડ પોર્નોગ્રાફી પોતાના ડિવાઈસમાં સેવ કરે કે પછી કમર્શિયલ યુઝ કરે તો તેને 3 વર્ષની સજા થઈ શકે છે. જો કે તેમાં આ ક્લિપ જે રિસીવ કરે છે તેના માટેની સજાનો કોઈ ઉલ્લેખ નથી. પરંતુ તેવા લોકોએ આ જાણકારી રીપોર્ટ કરવી ફરજિયાત હશે અને તેમણે આ ક્લિપ ડિલીટ કરવી પડશે.