અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓથી વાર્ષિક 80 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યુ છે. IIT, NIT, IIM, સેન્ટ્રલ યુનિવર્સિટી સહિત દરેક કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને જેટલા પૈસા કેન્દ્રએ પોતાના બજેટમાં આપ્યા છે, તેનાથી બેગણા પૈસા દર વર્ષે ભારતીય વિદ્યાર્થીઓ એકલા અમેરિકામાં ભણવા માટે ખર્ચ કરે છે. આ વર્ષે દેશનુ ઉચ્ચ શિક્ષણ બજેટ પાંત્રીસ હજાર કરોડનુ છે.
અમેરિકી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ઓપન ડોર્સ રિપોર્ટ અનુસાર, આ વર્ષે 196271 ભારતીય વિદ્યાર્થી અમેરિકામાં શિક્ષણ મેળવી રહ્યા છે. જેમાંથી 66 ટકા એટલે કે બે તૃતિયાંશ પ્રાઈવેટ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભણી રહ્યા છે અને ન્યુયોર્ક કેલિફોર્નિયા અને મેસાચુસેટ્સ જેવી જગ્યાઓ પર રહી રહ્યા છે.
અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી લેવામાં આવે છે. દુનિયાભરમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનુ રેન્કિંગ જાહેર કરનારી સંસ્થા ટાઈમ્સ હાયર એજ્યુકેશનના જણાવ્યા અનુસાર, અમેરિકી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ટ્યુશન ફી સાડા ત્રણ લાખ રૂપિયાથી લઈને 35 લાખ રૂપિયા સુધી હોય છે. સરેરાશ 23.5 લાખ રૂપિયા છે. ત્યાં જ રહેવા માટે વાર્ષિક 7.61 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે.
અનુમાન અનુસાર, કોઈપણ વિદેશી વિદ્યાર્થી માટે આવનારો ખર્ચ 59.78 હજાર અમેરિકી ડૉલર છે. રૂપિયામાં જોઈએ તો વાર્ષિક ખર્ચ આશરે 42 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. આ વર્ષે અમેરિકામાં ભણતર પાછળ ભારતીયો દ્વારા ખર્ચ કરાતી કુલ રકમ 80 હજાર કરોડથી વધુ હશે.