Valsad: રાજકોટ અગ્નિકાંડ બાદ વલસાડ નગરપાલિકા, ફાયર વિભાગ એક્શન મોડમાં આવ્યું પરંતુ માત્ર ને માત્ર ઔપચારિક્તા પૂર્ણ કરી રહ્યું હોવાનું લાગે છે. નગાપાલિકાએ હાઈરાઈઝડ બિલ્ડિંગો, હોસ્પિટલ, ગેમઝોન, શાળા અને મેરેજ હોલ, કોચિંગ ક્લાસિસ અને મેરેજ હોલની ચકાસણી હાથ ધરી હતી. ચકાસણી બાદ નગરપાલિકાએ વલસાડ તાલુકા પટેલ સમાજના હોલમાં ફાયરની કોઈ સુવિધા નહીં હોવાનું બહાર આવતાં કુલ આઠને નોટિસ આપી સંતોષ માન્યો છે. જ્યારે અન્ય શહેરોમાં મિલકતો સીલ થઇ છે.
રાજકોટ ટીઆરપી ગેમઝોન આગકાંડ બાદ હાઇકોર્ટે રાજ્ય સરકારને બરાબરની ફટકાર લગાવી છે ત્યારે તમામ શહેરોમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાએ ના છૂટકે કડક કાર્યવાહી હાથ ધરી મોટા-મોટા માંથાઓના બિલ્ડિંગો સીલ કરવામાં આવી રહ્યાં છે ત્યારે વલસાડ નગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ દિવસમાં કોઈ નક્કર કામગીરી કરી ન હોવાનું જણાઈ રહ્યું છે. પાલિકાએ અમુક જગ્યાએ જ તપાસ કરી છે.
નગર પાલિકાએ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ જેના પ્રમુખ છે તે વલસાડ તાલુકા પટેલ સમાજની તિથલ રોડ પર આવેલા મેરેજ હોલમાં ફાયર સુવિધાનો અભાવ હોવાનું બહાર આવતાં તેને નોટિસ આપી મોટું તીર માર્યું હોવાની બડાશ મારી રહી છે.
આ ઉપરાંત ગેમ ઝોન બબલ બી ટાવર પાસેનાં બે શો રૂમ, ક્લાસિક શો રૂમ, ડી. જી.ઇલેક્ટ્રોનિક્સ, તિથલ રોડ પર લોહાણા સમાજ, કાનન ઇન્ટરનેશનલ ક્લાસ, સ્ટેપ આઇઆઇટી નીટ એકેડેમી અને અબ્રામા ધરમપુર રોડ પર જીજે ૦5 ફેશનમાં ફાયરની કોઇ સુવિધા ન હોવાથી માત્ર નોટિસ આપી સંતોષ માન્યો હતો. જ્યારે અન્ય શહેરોમાં મિલકતોની સીલ કરાઇ રહી છે. હવે વલસાડ નગરપાલિકા આ એકમો અને સંસ્થાઓ સામે સખત કાર્યવાહી ક્યારે કરે છે તે જોવાનું રહે છે.