ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાને ગંભીર પ્રકારની બિમારીનું નિદાન થયું છે. તેમની તબિયત બગડતા ગઈકાલે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે અને તેમનું ઓપરેશન કરવામાં આવે તેવી માહિતી મળી રહી છે. પ્રદીપસિંહને આગામી ત્રણ દિવસ સુધી આઈસીયુમાં રાખવામાં આવનાર છે, અને હાલ તેમની સ્થિતિ સારી હોવાનું તબીબોએ જણાવ્યું છે.
પ્રદીપસિંહ જાડેજાને કેન્સરની બિમારી છે. તેમને ગળાનું કેન્સર હોવાનું નિદાન થયું છે. કેટલાક સમયથી તેમનું મોઢું ખોલતું ન હતું અને તેઓ બોલી પણ શકતા ન હતા. પ્રદીપસિંહ બિમારીની અત્યંત ગુપ્ત રીતે સારવાર કરાવી રહ્યા હતા. હાલ તેમના પર કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું છે. ઓપરેશન બાદ તેમને ઓબઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ અંગે હેલ્થ બુલેટીન પર જારી કરવામાં આવ્યું છે.
ખાનગી હોસ્પિટલના તબીબી સૂત્રોના જણાવ્યા પ્રમાણે સર્જરી કર્યા બાદ પ્રદીપસિંહનો બાયોપ્સી ટેસ્ટ કરવામાં આવશે અને તેના માટે નમૂના પણ લેવામાં આવ્યા છે. ક્યા સ્ટેજનુ કેન્સર છે તે અંગે હાલ કશુ કહી શકાય એમ નથી. ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમો કાર્યરત છે. હોસ્પિટલ પર ભાજપના નેતાઓ અને સરકારના મંત્રીઓ પણ પહોંચી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમના સારા સ્વાસ્થ્યની કામના વ્યક્ત કરી છે.