Gujarat: મિલિન્દ શાહ ફાયરબ્રિગેટમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે ઘણાં વર્ષોથી લડી રહ્યા છે. તેમણે ફાયરના સાધનો માટેનો વેપાર શરૂ કર્યો ત્યારે તેમની પાસેથી અમદાવાદના ફાયર અધિકારીએ લાંચ માંગી હતી. તેમણે રૂ. 60 હજારની લાંચ ન આપી અને રૂ. 10 લાખની ખોટ ખાઈને ધંધો બંધ કરી દેવો પડ્યો હતો. ત્યારથી તેઓ લાંચીયા અધિકારીઓ સામે લડી રહ્યાં છે.
સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના અનેક ગોટાળા તેમણે બહાર પાડ્યા છે.
સાંસદની લાંચ
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ કાટી નીકળી હતી. આ અકસ્માતમાં 12 બાળકો સહિત 28 લોકોના મોત થયા હતા. રાજકોટમાં ભારતીય જનતા પક્ષના રાજ્યસભાના સંસદસભ્ય રામ મોકરિયાએ ફાયરનું ના વાંધા પ્રમાણપત્ર લેવા માટે પાંચ વર્ષ પહેલાં રૂ. 70 હજારની લાંચ ફાયર અધિકારીને આપી હતી. ફાયર અધિકારી ભીખા ઠેબાક્રાઈમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે. ભીખા ઠેબાએ કવરમાં 70,000 નાખી સાંસદ બન્યા બાદ રામ મોકરીયાને પરત આપ્યા હતા. 150 ફૂટ રીંગ રોડ પર બાંધકામ માટેના ફાયર એનઓસી માટે લેવા માટે આપ્યા હતા.
આ આરોપ બાદ ભ્રષ્ટાચારી મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી. સાગઠીયા અને ફાયર બ્રિગેડના ઓફિસર બી.જે. ઠેબા સહિત 5 અધિકારઓને ત્યાં ACB એ દરોડા પાડ્યા હતા. એમ ડી સાગઠીયાને TPOના હોદા પરથી દૂર કરવામાં આવ્યા હતા. 75 હજારના પગારદારનો 7થી 8 કરોડનો બંગલો મળી આવ્યો હતો. રાજકોટના તત્કાલીન ધારાસભ્ય ગોવિંદ પટેલે સખિયા બંધુઓના એક કેસમાં પોલીસ કમિશનર સામે એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે રૂ।. 75 લાખની લાંચ અપાઈ હતી.
રોમ ભડકે બળે:
નિરો વાંસળી વગાડે.
રાજકોટ ભડકે બળે:
મોદી ધ્યાન ધરે!
રોમ-રાજકોટ:
નિરો-નરેન્દ્ર.
કેટલો બધો પ્રાસ બેસે છે!
– પ્રો. ડો. હેમંતકુમાર શાહ
10 અધિકારી પકડાયા
ગુજરાતમાં ફાયર બ્રિગેડ વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે. 5 વર્ષમાં 10 અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ મેળવનાર ગાંધીનગરના ચીફ ફાયર ઓફિસર મહેશ રવિદાન મોડ અને તેમના સાળા કામલ ઈન્દુ ગઢવી લાંચ લેતા ઝડપાયા હતા. લાંચ લેતાં પકડાયેલાં બે અધિકારીઓ મનીષ મોડ અને ગાંધીનગરના મહેશ મોડ એકજ ગામના અને કૌટુંબિક સગા થાય છે. સુરતના નટુભાઈ મોડ કે જેઓ પણ લાંચમાં પકડાયા હતા.
ફાયર બ્રિગેડ 2021 સુધી ભ્રષ્ટાચાર મુક્ત હતો. હવે બીજા 42 વિભાગની જેમ આ વિભાગ પણ ભ્રષ્ટાચારની આગમાં આવી ગયો છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા ચીફ ફાયર ઓફિસર અને ગાંધીનગર જિલ્લાના રિજયોનલ ઓફિસર તેમજ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ ઇન્ચાર્જ ડેપ્યુટી ડાયરેકટર મહેશ મોડ અને તેમના સાળા કમલ ગઢવી પાંચ લાખ રૂપિયા લાંચમાં લેતા ઝડપી પાડયા હતા.
ગીફ્ટ સીટીમાં બહુમાળી બિલ્ડીંગની ફાયર મંજૂરી માટે લાંચ માંગી હતી. NOC મેળવવી હોય તો વ્યવહારના પાંચ લાખ આપવા પડશે તેમ જણાવેલું હતું. સાળા કમલ ગઢવીએ લાંચની રકમ સ્વીકારી હતી.
મહેશ મોડ 1997 થી 2002 સુધી સુરતમાં ફાયર અધિકારી તરીકે હતા. 26 જાન્યુઆરી 2013માં રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અમદાવાદમાં મનીષ મોડ 60 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. સુરતમાં ત્રણ ઓફિસર લાંચ લેતા ઝડપાયા હતા. સુરતમાં લાંચ માંગનારમાં નટુ મોડ હતા. ગંભીરદાન બારડ અને બેચરસિંહ સોલંકી લાંચ લેતા ઝડપાયા હતા. રાજકોટમાં ફાયર ઓફિસર કિરીટ કોહલી લાંચ લેતા ઝડપાયા હતા.
વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની કચેરીના પ્રાદેશિક અધિકારી રૂ.3 લાખ 50ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. ગોધરામાં નવી બિલ્ડીંગની ફાયર એનઓસી મેળવવા માટે લાંચ માંગી હતી. સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ તરીકે એન. બી. પટેલ ફરજ બજાવતા હતા.
સુરતમાં કતારગામના ફાયર સ્ટેશનના કર્મચારી દિલીપ મોહન દવેને રૂ. 10 હજારની લાંચ લેતાં પકડી પાડ્યા હતા.
ખંભાતમાં ફાયર એન.ઓ.સી માટે રૂ. 40 હજારની ફાયર ઓફિસરે લાંચ માંગી હતી.
ગોધરામાં ઇન્ચાર્જ ફાયર અધિકારીએ એન.ઓ.સી. રિન્યુ કરવા 30 હજારની લાંચ માંગી હતી.
દાઝી જતાં લોકોની વેદના
બીઇંગ પેશન્ટ ફાઉન્ડેશનએ ભારતમાં સૌપ્રથમ ફાઉન્ડેશન છે જે દાજી ગયેલાં લોકો માટે કામ કરે છે. 2016 માં તેની શરૂઆત થઈ ત્યારથી દર વર્ષે અનેક મિશન શરૂ કર્યા છે. દાજી ગયેલા 25 હજાર લોકોને મદદ કરી છે. વળી, 3 લાખ 45 હજાર કરતાં વધુ લોકોને મદદ કરી છે. ઘણા કિસ્સા એવા હતા કે ખોટી રીતે ફાયર એન ઓસી આપી દીધું હોય અને આગ લાગી તેમાં લોકોના મોત થયા હતા અથવા તેઓ દાઝી ગયા હતા. દાઝેલા લોકોની પીડા જોઈને સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા માટે લડત શરૂ કરી હતી.
અધિકારીઓની ભ્રષ્ટાચાર માટેના કોઈ માપદંડ હોતા નથી. એન ઓ સી લેવા જાય ત્યારે અધિકારીના મોઢામાંથી સ્વયંભૂ રકમ નિકળે તે લાંચની રકમ ગણાય છે. પૈસા લઈને એનઓસી કાઢી આપતા અધિકારીઓ રાજ્યભરમાં છે. ફરિયાદ કરવા નાગરિકો આગળ આવતા ન હોવાથી ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન મળી રહ્યું છે. ફાયર સેફટીના ખોટા પ્રમાણપત્રો પણ લાંચ લઈને આપવામાં આવતા હોય તેવી શક્યતાઓ છે.
બહુમાળી ઈમારતોમાં ભ્રષ્ટાચાર
15 મીટરથી ઉપર ફાયરબ્રિગેડનો અભિપ્રાય લેવો પડે છે. તેની મંજૂરી હોય તો જ મકાન વપરાશની મંજૂરી આપવામાં આવે છે. જેનો ફાયદો ઉઠાવવા લાંચ લેવામાં આવે છે.
ગુજરાતમાં 1 કરોડ 50 લાખ મકાનો છે. જેમાં અમદાવાદમાં 15થી 100 મીટર 20 હજાર ટાવર છે. સુરતમાં 30 હજાર ઊંચા બિલ્ડીંગો છે. વડોદરામાં 5 હજાર, રાજકોટમાં 4500 બહુમાણી મકાનો છે.
દર વર્ષે 5માળથી 10 માળ સુધીના 10 હજાર બિલ્ડીંગ બને છે. 11થી 20 માળ સુધીના નવા 1 હજાર બિલ્ડીંગ બને છે. આમ 11 હજાર નવા બિલ્ડીંગ બને છે. જેમાં ફાયર એન ઓ સી આપવામાં મોટો ભ્રષ્ટાચાર થાય છે.
એક બહુમાળી બિલ્ડિંગનું ફાયર એનઓસી લેવા માટે રૂ. 70 હજારથી રૂ. 10 લાખની લાંચ આપવી પડે છે. સરેરાશ એક બિલ્ડિંગના 3 લાખ લાંચ ગણવામાં આવે તો પણ વર્ષે રૂ. 300થી 350 કરોડની લાંચ થાય છે.
એમા 50 ટકા રાજનેતાઓની ઓળખાણથી ન લે તો પણ 150 કરોડનો ભ્રષ્ટાચાર માત્ર ફાયર એનઓસીમાં બાંધકામ ઉદ્યોગમાં લેવામાં આવે છે. તેનાથી 3 ગણી લાંચ ઔધ્યોગિક એકમો પાસેથી એટલી જ લાંચ લેવામાં આવી શકે છે.
ઉદ્યોગોએ ફાયર એન ઓસીની મૂક્તિ આપી છે. પણ જીઆઈડીસીએ ફાયર એનઓસી લેવા માટે 31 મે 2024માં પરિપત્ર કર્યો હતો. આમ સરકારના બે વિભાગો વચ્ચે જ સંકલન નથી. ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકારનો વહિવટ આડેધડ ચાલી રહ્યો છે. મનેફાવે એવા આદેશો કરવામાં આવી રહ્યાં છે.
ભાજપની સરકારોનો ધુપ્પલ વહિવટ છે. મર્યાદા વગર આદેશો થાય છે. છડેચોક લૂંટ ચાલી રહી છે. બેફામ ભ્રષ્ટાચાર છે. તેને કોનું રક્ષણ છે, એ આવા નિર્ણયો પરથી ખ્યાલ આવે છે.
ફાયર એન ઓ સી અંગે સીલ મારવામાં અને દૂર કરવામાં પણ ભ્રષ્ટાચાર થાય છે. ઝૂંબેશ ચલાવે ત્યારે લોકો આગ ઓલવવાના સાધનો ખરીદવા નિકળે છે ત્યારે રૂ. 1 હજારનું સાધન રૂ. 3 હજારમાં વેચી કાળા બજાર કરે છે.
જે બિલ્ડીંગો બની છે તેમાં ફાયર સાધનોની તપાસ કરવામાં આવતી નથી. એનઓસી 6 મહિનાંમાં લીધી હોય તેની તપાસ સરકારે કરવી જોઈએ.
ડોક્ટર, દવાખાના, કોચીંગ ક્લાસ પાસેથી પૈસા પડાવવા આગ વિભાગ કાયદાઓની મદદ લે છે. સલામતીના નામે વ્યવસ્થા ખોરવી નાંખી છે.
ફાયરમાં સ્ટાફ
સ્ટાફની તંગી પણ ભ્રષ્ટાચાર નોતરે છે.
વડોદરા શહેરમાં 6 ફાયર સ્ટેશનમાં 900ની સામે 270નો સ્ટાફ છે. વડોદરામાં 61 ફાયરમેનની ભરતીમાં ભ્રષ્ટાચાર થયો હતો.
સુરતમાં 1613 અધિકારીઓ અને કર્મચારીઓનો સ્ટાફ છે. 113 વાહનો અને સાધનો છે. દરરોજ 14 થી વધુ કોલ્સ આવે છે. 2022-23માં તમામ પ્રકારના 5240 કોલ આવ્યા હતા. જેમાં 2401 ફાયર માટે કોલ હતા.
અમદાવાદમાં 40 ટકા જેટલા સ્ટાફની અછત છે. ફાયર મેનની 408 મંજૂર જગ્યા છે. ઘણી ખાલી છે. ડ્રાઇવર-કમ-પંપ ઓપરેટરની 159 જગ્યામાં 42 જગ્યા પર કર્મચારી છે. એમ્બ્યુલન્સ માટે આશરે 300 કોલ આવે છે. ડેડબોડી વાન માટે 400 કોલ આવે છે. રોજના 20થી 25 બચાવ કોલ અને ફાયર કોલ આવે છે.
ગુજરાત ઓથોરિટી
ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મિઝર્સ એક્ટ, 2013નો કાયદો ગુજરાત હાઈકોર્ટ તરફથી આપવામાં આવેલા દબાણ બાદ સરકારે માત્ર નામ પૂરતો બનાવી દીધો. પરંતુ ઓથોરિટી પાસે નાનું બજેટ છે. કાયમી સ્ટાફ નથી, સાધાનો ખરીદી શકે તેમ નથી, કોઈ નિર્ણયો લેવાની સત્તા નથી. તે કોઈને જવાબદાર પણ નથી. એક ડિરેક્ટર કરે છે, જેમની પાસે ત્રણ રિજનલ ઓફિસરો, ડેપ્યુટી એકાઉન્ટન્ટ અને ક્લાર્ક છે.
ખાનગીકરણ
રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચારણા ચાલી રહી છે. ભીડ થાય તેવા એકમોમાં ફાયર ઓફિસર રાખવા પડશે. વેપારી એકમોએ પોતાના ફાયર અધિકારીની ભરતી કરવી પડશે. આગ લાગવાની ઘટનામાં જવાબદારી ફાયર ઓફિસરની રહેશે. ફાયરના સાધનો, તપાસ, જાળવણી જેવી જવાબદારીઓ રહેશે. સાથે જ સરકારી તંત્રનું ખાનગી ફાયર ઓફિસર અને જે તે એકમો પર પણ નિયંત્રણ રહેશે.
સાધનો
ગુજરાતમાં રૂ. 20 હજાર કરોડના આગ ઓલવવા માટેના સાધનો ખરીદ કર્યા હતા. સરકાર દ્વારા અને સ્થાનિક સરકાર દ્વારા ખરીદી તો થઈ પણ તેમાં મોટા ભાગના વપરાયા વગરના પડી રહ્યાં છે.
રાજ્ય સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી બનાવીને ભ્રષ્ટાચારનું કેન્દ્રીત કર્યો છે. 10 વર્ષ પહેલાં સુરતમાં પાલિકાના ફાયર વિભાગને રૂ. 21 કરોડના 17અત્યાધુનિક ફાયર ફાયટર્સ અને ઇમરજન્સી ઇક્વિપ્મેન્ટ્સ આપ્યા હતા. 180 કર્મચારીઓના અભાવે કોઈ ઉપયોગ થયો નથી. એક વાહન માટે 6 કર્મચારી જરૂરી પડે છે.
રાજ્યની 32 નગરપાલિકાને વિભાગીય ફાયર અધિકારી સહિત કુલ 19 કર્મચારીઓ મંજુર કર્યા હતા. પણ ભરતી થઈ નથી.
એક વાહન ચલાવવા માટે 3 સીફ્ટમાં એક નગરપાલિકાને ઓફિસરો સહીત કુલ 40 લોકોની જરૂર પડે છે.
રાજ્યમાં બચાવ કામગીરી માટે માત્ર 20 ટકા જ છે. જે 2001થી 2024 સુધી ઓવર ટાઈમ કરે છે, જેને ઓવરટાઈમ આપવા હાઈકોર્ટે કહ્યું છે. પણ આપે કોણ.
3 નગરસેવકો લાંચ લેતાં પકડાયાં
વર્ષ 2019માં ડભોલી-સિંગણપોર વોર્ડના ભાજપના નગરસેવક જયંતિ ભંડેરી, આંજણા-ખટોદરા વોર્ડના કોંગ્રેસની નગરસેવિકા લીલા સોનવણેનો પુત્ર તથા આ જ વોર્ડની મહિલા નગરસેવક કપિલા પટેલ તેનો પતિ પલ્કેશ લાંચ લેતા પકડાયા હતા.
સરકારમાં લાંચ
2023માં લાંચ રૂશ્વત નાબૂદ વિભાગમાં 200 ફરિયાદ ભ્રષ્ટાચારની આવી હતી. રાજ્યમાં કુલ 1 કરોડ 15 લાખ 69 હજારની લાંચ લેવાઈ હતી. સૌથી વધુ ગૃહ વિભાગમાં 66 ફરિયાદ હતી. પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગમાં 35 ગુના નોંધાયા હતા. મહેસુલ વિભાગમાં પણ 25 ગુનાઓ નોંધાયા હતા. લાંચની રકમમાં સૌથી વધારે 38.7 લાખની લાંચ ગૃહ વિભાગ દ્વારા લેવાઈ હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા 2 ગુનામાં 17 લાખની લાંચની રકમ લેવાઈ હતી.