ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની હાલ ટીમ ઇન્ડિયાની ટી-20 ટીમનો સભ્ય નથી. એવી અટકળો કરવામાં આવી રહી છે કે ધોની 2019ના વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દેશે. તેથી તેના પ્રશંસકોના મનમાં એક સવાલ છે કે નિવૃત્તિ પછી ધોની શું કરશે? ધોનીએ આ વિશે વિચારવાનું શરુ કરી દીધું છે અને તે ઘણા કામો હાથ અજમાવી રહ્યો છે.
ધોનીએ છત્તીસગઢના ખેલાડીઓ માટે પ્રદેશમાં એક ક્રિકેટ એકેડમી શરુ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ માટે ધોનીએ સ્પોર્ટ્સ વિભાગને એક ડ્રાફ્ટ બનાવીને મોકલ્યો છે. રાયપુરમાં શહીદ વીરનારાયણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં એેકેડમી શરુ કરવાને લઈને વાત ચાલી રહી છે. સ્પોર્ટ્સ વિભાગે એમઓયુ પર પોતાની ટિપ્પણી આપ્યા પછી હવે રાજ્ય શાસનને પ્રસ્તાવ મોકલ્યો છે.