ગુજરાતમાં ભારે ચકચાર જગાવનારા મગફળી કૌભાંડમાં કોંગ્રેસના તમામ નેતાઓની બોલતી બંધ થઈ ગઈ છે. ખાસ કરીને વિપક્ષ નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવડીયા, હિંમતસિંહ પટેલ વગેરેએ મગફળી કૌભાંડને લઈ ભારે ઊહાપોહ કર્યો હતો પણ આજે સ્થિતિ એ છે કે વિપક્ષ તરીકે કોંગ્રેસ પણ હવે આ મામલે નરો વા કુંજરો કરવા માંડી હોવાની છાપ ઉપસી રહી છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં મગફળી ગોડાઉનોમાં આગ લાગવાની એક સાથે અનેક ઘટનાઓ બની હતી. પરેશ ધાનાણીએ આકારા પાણીએ મગફળી કૌભાંડની તપાસ કરવા માટે આંદોલન શરૂ કર્યું હતું. પોલીસ ફરીયાદો નોંધવામાં આવી અને જાડા નરોને જોઈને શૂળીએ ચઢાવી દેવામાં આવ્યા પરંતુ મોટા મગરમચ્છોને ઊની આંચ પણ આવી નથી. કોઈ પણ કૌભાંડ નેતાઓની શેહ વિના સંભવી શકે નહીં અને આ કૌભાંડમાં મોટા નેતાઓની સીધી સંડોવણી હતી.
1200 કરોડ કરતાં પણ વધારાના મગફળી કૌભાંડ અંગે પરેશ ધાનાણી સદંતર ખામોશ થઈ જતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. શા માટે ધાનાણીએ હવે મગફળી કૌભાંડને લઈ આંદોલન કરવાનું માંડી વાળ્યું છે? શું મગફળી કૌભાંડમાં સંડોવાયેલા કૌભાંડીઓને પકડવાની તપાસથી તેમને આટલાથી સંતોષ થઈ ગયો છે? શું કારણ છે કે મોટા પાયા પર ઊહાપોહ કર્યા બાદ અચાનક બધું ડાઢુંઠસ્સ થઈ ગયું?
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા બિચારા બાપડા બનીને તમાશો જોઈ રહ્યા છે ત્યારે પરેશ ધાનાણીની લંગારે ચાલતા અર્જુન મોઢવડીયા અને હિંમતસિંહ પટેલ પણ ચૂપ થઈ ગયા છે. એવું કહેવાય છે દિલ્હી બેઠેલા કોંગ્રેસના ટોચના નેતાએ ગુજરાતના તમામ નેતાઓને મગફળી કૌભાંડ અંગે આંદોલન બંધ કરી દેવાની સૂચના આપતા ગુજરાત કોંગ્રેસના નેતાઓને ખામોશ થઈ જવું પડ્યું હોવાનું કોંગ્રેસમાં ચર્ચાઈ રહ્યું છે.