Mumbai: મુંબઈની એક કોર્ટે ગુરુવારે ગેંગસ્ટર છોટા રાજનને 2001માં હોટેલિયર જયા શેટ્ટીની હત્યા માટે દોષિત ઠેરવ્યો હતો. મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) હેઠળના કેસ માટે વિશેષ ન્યાયાધીશ એ.એમ. પાટીલે રાજનને દોષિત ઠેરવ્યો છે. કોર્ટે ડોન છોટા રાજનને આજીવન કેદની સજા ફટકારી છે.
શું છે સમગ્ર મામલો?
જયા શેટ્ટી મધ્ય મુંબઈના ગામદેવીમાં આવેલી ગોલ્ડન ક્રાઉન હોટલના માલિક હતા. તેને છોટા રાજન ગેંગ તરફથી ખંડણીના કોલ આવતા હતા. 4 મે, 2001ના રોજ, ગેંગના બે કથિત સભ્યોએ તેની હોટલમાં તેની ગોળી મારીને હત્યા કરી હતી. ધમકીઓને કારણે મહારાષ્ટ્ર પોલીસે તેને સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. જોકે હત્યાના બે મહિના પહેલા તેની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી.
કોણ છે છોટા રાજન?
છોટા રાજન હાલ જેલમાં છે. બાલી એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને 2015માં ભારત લાવવામાં આવ્યો હતો. હાલમાં તે તિહાર જેલ નંબર 2 માં બંધ છે, જેને ઉચ્ચ સુરક્ષા સેલ પણ માનવામાં આવે છે. એક સમયે દાઉદના નજીકના સહયોગી ગણાતા છોટા રાજને 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ પછી દાઉદ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. આ અણબનાવને કારણે બંને જૂથો વચ્ચે અવારનવાર હિંસક અથડામણ થતી હતી.
કાયદા એજન્સીઓની ચુંગાલમાંથી વર્ષો સુધી છટકી ગયા બાદ આખરે 2015માં છોટા રાજનને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેની ધરપકડ એક વોટ્સએપ કોલ બાદ કરવામાં આવી હતી જેમાં તેનું લોકેશન અજાણતા જાહેર કરવામાં આવ્યું હતું. છોટા રાજનનું સાચું નામ રાજેન્દ્ર સદાશિવ નિકાલજે છે. રાજનનો જન્મ 13 જાન્યુઆરી 1960ના રોજ થયો હતો.