ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે અજમેર દરગાહ બ્લાસ્ટ કેસમાં ભાગતા ફરતા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સુરેશ નાયરની ધરપકડ કરી છે. અજમેર બ્લાસ્ટ અંગે નવા રહસ્યો પરથી પડદો ઉંચકાવાની શક્યતા છે.
વિગતો મુજબ રાજસ્થાનમાં આવેલી અજમેર દરગાહ બ્લાસ્ટ કે જેની તપાસ એનઆઇએ દ્વારા ચાલી રહી છે, તેના વોન્ટેડ આરોપી ખેડા જિલ્લાના ઠાસરાનો રહેવાસી સુરેશ દામોદર નાયરની ધરપકડ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે કરી છે.
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના અધિકારીઓને બાતમી મળી હતી કે, સુરેશ નાયર આગામી દિવસોમાં ભરુચ પાસેના શુક્લતીર્થની મુલાકાત લેવાનો છે અને તેથી તે જગ્યાની લાંબા ગાળાની વોચ ગોઠવવામાં આવી હતી. એ.ટી.એસની એક ટીમ દ્વારા સુરેશ નાયરને તેના આગમન સમયે જ ઓળખી કાઢી તેની અટક કરી છે. તેને હાલ અમદાવાદ ખાતે કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં તેને એન.આઇ.એ.ને સોપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ આરોપીની ધરપકડ પર એન.આઇ.એ. દ્વારા બે લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
અજમેર બ્લાસ્ટની તપાસ કરતી એન.આઇ.એને જાણવા મળ્યું હતું કે સુરેશ નાયરે બોમ્બનો સામાન બીજા ષડ્યંત્રકારીઓને સપ્લાય કર્યો હતો, અને તે પોતે પણ ગુનાની જગ્યા ઉપર રુપે હાજર હતો. ટ્રાયલ કોર્ટ દ્વારા અજમેર બ્લાસ્ટ અંગે કેટલાક આરોપીઓને જન્મટીપની સજા આપી છે.
ઉલ્લેખનીય છે કે 11-10-2007 દિવસે અજમેર દરગાહ ખાતે એક બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, આ વિસ્ફોટમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા અને અન્ય 17 લોકોને ઈજા પહોંચી હતી. 2007થી સુરેશનાયર ભાગતો ફરતો હતો. પાછલા 10 વર્ષમાં સુરેશ નાયર ક્યાં-ક્યાં રોકાયો હતો, તેને કોને આશ્રયો આપ્યા હતા તે અંગે તપાસ કરવમાં આવશે.