(સૈયદ શકીલ દ્વારા): રાધનપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉભરતા યુવા નેતૃત્વ 43 વર્ષીય અલ્પેશ ઠાકોર સામે ખુદ કોંગ્રેસમાં મોટાપાયા પર રાજરમત રમવામાં આવી રહી છે. અલ્પેશ ઠાકોરનો રાજનીતિમાં ઉદય ઠાકોર સેના થકી થયો અને ત્યાર બાદ કોંગ્રસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના વિશ્વાસુ બનેલા અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં જરાય ફાવવા નહીં દેવા માટે જે પ્રકારે ગંદો ખેલ કરવામાં આવી રહ્યો છે તેને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડે તેની ગંભીર નોંધ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોંગ્રેસ વર્તુળો મુજબ અલ્પેશ ઠાકોરને લઈ છાશવારે કોંગ્રેસ અને ભાજપના કેટલાક નેતાઓને સનેપાત ઉપડે છે. ગુજરાતભરમાં વ્યસન મૂક્તિ અભિયાન ચલાવી અલ્પેશ ઠાકોરે યુવાનોમાં જાગૃતિ સાથે નવી નેતાગીરીના બીજ રોપ્યા હતા. હિન્દી ભાષીઓના મામલામાં ઠાકોર સેના પર દોષનો ટોપલો નાંખી દેવા પાછળ પણ ખુદ કોંગ્રેસના દિલ્હી બેઠેલા નેતાના ઈશારે ગુજરાતના સિનિયર ઠાકોર નેતાઓએ રીતસરનું કેમ્પઈન ચલાવ્યું હતું પરંતુ અલ્પેશ ઠાકારે ઉપરાછાપરી રીતે ઠાકોર સેનાનો આક્રમક બચાવ કરતા નિવેદન અને વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરતા આખાય અપપ્રચારની હવા નીકળી ગઈ હતી. ઓબીસી સમાજમાં આધાર ગુમાવી ચૂકેલી કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોરે ઓબીસી સમાજને કોંગ્રેસ સાથે ફરી કનેક્ટ કરી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધાર્યા પરિણામો આપ્યા પરંતુ આ વાત કેટલાક સિનિયર નેતાઓને હજમ થઈ રહી નથી.
તાજેતરમાં અમદાવાદ જિલ્લા પંચાયતમાં પણ અલ્પેશ ઠાકોર અને તેમના પિતાજી ખોડાજી ઠાકોરને લઈ ભારે બૂમરાણ મચાવવામાં આવી હતી પરંતુ અમદાવાદ જિલ્લા પંચાયતના સ્થાનિક રાજકારણને સમગ્ર રીતે અલ્પેશ અને ખોડાજી ઠાકોર પર દોષનો ટોપલો નાંખવાનો પ્રયાસ કરાયો. આખીય હકીકત એવી છે કે અમદાવાદ જિલ્લા પંચાયતમાં એક વખત ખોડાજી ઠાકોરની કફની પકડીને ચાલતા પંચાયતના સભ્યની સત્તાલાલસા અને ભાજપ સાથેની સાંઠગાંઠના પરિણામે કોંગ્રેસને ફટકો પડ્યો છે. જિલ્લા પંયાયતના આ સભ્ય વિરુદ્વ ભૂતકાળમાં ભ્રષ્ટાચારના અનેક કેસ થયેલા છે અને સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(સીટ)ની તપાસ ચાલી રહી છે. ભ્રષ્ટાચારમાં સંડાવાયેલા સભ્યને હાથો બનાવી અલ્પેશ ઠાકોર વિરોધી કોંગ્રેસી જૂથે અમદાવાદ જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસની સત્તા જતી રહે તેવી ગંદી-ગોબરી રાજનીતિ કરી હોવાની ફરીયાદો પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી સહિત ગુજરાતનો હવાલો સંભાળતા નેતાઓને પણ કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી દ્વારા આ ખેલને મૂગા મોઢે જોવામાં આવી રહ્યો છે તે પણ આશ્ચર્ય જન્માવનારી બીના બની રહે છે. કોંગ્રેસના દિલ્હી ખાતેના નેતા પડદા પાછળ રહીને કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોર ઝાઝું કાઢું કાઢે નહીં તેવા પ્રકારની પેંતરાબાજી કરી જોઈ, પરંતુ તેમાં પણ તેમને ફાવટ આવી ન હતી.
રાહુલ ગાંધીના નજીકના એવાં અલ્પેશ ઠાકોરને ટાર્ગેટ કરીને જે ખેલ કરવામાં આવી રહ્યા છે તેનાથી સિનિયર કોંગ્રેસના નેતાઓ વિરુદ્વ કોંગ્રેસ હાઈકમાન્ડે ગંભીર નોંધ લીધી છે અને કોંગ્રેસના યુવા નેતા અલ્પેશ ઠાકોર વિરુદ્વ પડેલી લોબી અંગેનો રિપોર્ટ કોંગ્રેસ હાઈકમાન્ડે મંગાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોરને ખતમ કરવા માટે સિનિયર કોંગ્રેસી નેતાઓને સીધી રીતે પીરામણના પીર તરીકે ઓળખાતા નેતાનો સીધો દોરીસંચાર છે. અલ્પેશ ઠાકોર પીરામણના પીરને સલામ કરતા નથી વાસ્તે તેમની સામે કોંગ્રેસમાં વરવી રીતે રાજકારણ રમવામાં આવી રહ્યું છે. ઠાકોર સમાજના અલ્પેશ વિરોધી નેતાઓ કોંગ્રેસમાંથી પોતાનું પત્તું કપાઈ ન જાય તે માટે અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાની પાછળ આદુ ખાઈને લાગ્યા હોવાની ફરીયાદ પણ ઉઠી રહી છે. આવા નેતાઓ વિરુદ્વ આવનાર દિવસોમાં કોંગ્રેસના કાર્યકરો ખુલ્લેઆમ રસ્તા પર ઉતરી દેખાવ કરે તો નવાઈ પામવા જેવું રહેશે નહીં.