સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ભરીમાતા મંદિર પાસે આવેલા ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન અને મેડિકલ વેસ્ટના કચરાને બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સોપો પડી ગયો છે. કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન હાજી ચાંદીવાલાએ ‘સત્ય ડે’ સુધી સ્ટીંગ ઓપરેશન પહોંચાડ્યા બાદ પાલિકાના અધિકારીઓની ટાંય-ટાંય ઠુસ્સ સ્પષ્ટતા આવી રહી છે તેવામાં ભરીમાતાના ટ્રાન્સપોર્ટેશન સેન્ટર પર કામ કરતા કર્મચારીઓએ ઈજારદાર સહિત પાલિકાના અધિકારીઓની સંડોવણી બહાર પાડી છે.
ટ્રાન્સપોર્ટેશન સેન્ટર કામ કરતા દાઢીવાળા ચાચા કહે છે કે ડોર ડૂ ડોર ગાડીમાં અમને પગાર આપવામાં આવે છે, પણ અમારો પગાર કેટલો છે તે અમને ખબર નથી. ડ્રાઈવરને 250 રૂપિયા રોજ અને મહિનાનો 7,500 રૂપિયા આપવામાં આવે છે. 1450 રૂપિયા મહિને કાપવામાં આવે છે. પીએફના રૂપિયા કાપવામાં આવે છે પરંતુ અમેન પીએફની કોઈ રસીદ આપવામાં આવતી નથી અને કહે છે કે વર્ષનાં એક વાર મળશે. કાર્ડ આપવામાં આવશે પણ કોઈને કાર્ડ આપવામાં આવતું નથી. કર્મચારીઓના હાજરી કાર્ડ કાઢીને ફેંકી દેવામાં આવે છે. આવું બધું ચાલે છે.
ચાચા કહે કે ધમકાવવામાં આવે છે. ત્રણ દિવસ પહેલાં જ ડ્રાઈવરનું હાજરી કાર્ડને ફાડીને ફેંકી દેવામાં આવ્યું હતું.જબરદસ્તી માલ અંદર જ આપવાનું કહે છે.
અન્ય એક કર્મચારી કહે છે કે રાજુભાઈ અને વિક્કીભાઈ એમ બધા કહે છે કે માલ અંદર જ આપવાનો બહાર નહીં આપવાનો. અમને ધમકાવે છે કે જો માલ નહી આપે તો નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે અને ચાવી લઈ લેવામાં આવશે. કચરામાંથી ભંગાર કાઢવામાં આવે છે.
નોકરીમાંથી છૂટા કરાયેલા અન્ય કર્મચારી કહે છે કે ડોર ટૂ ડોર ભંગાર અંદર આપવામાં નહીં આવે તો નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. રાજુ આ બધું કરે છે અને જ્યારે પણ તેને કશું કહેવામાં આવે તો કહે છે કે “યે સબ નાયક સાબ કા ઓર્ડર હૈ.” બે-ચાર લોકોને નોકરીમાંથી કાઢી મૂકાયા છે અને મને પણ કાઢી મૂક્યો છે.
વધુ એક કર્મચારી કહે છે કે અમે તો અમારા હિસાબથી ધંધો કરીશું. માલ ખરીદીએ છીએ, અમારું મન હશે ત્યાં માલ આપીશું. અમે કોઈના દબાણમાં આવીને કામ કરીશું નહીં. હું તો મારી મરજી મુજબ જ માલ આપીશ. કચરામાંથી હાથ નાંખી માલ કાઢીએ છીએ. માલ અમે ખુદ કાઢીએ છીએ, અમારો લેબર કામ કરે છે. મેનેજર હોય, શેઠ હોય કે ગમે તે હોય, કોઈના પણ દબાણમાં માલ આપીશું નહીં. મારી ઈચ્છા હશે તો શફીકભાઈને જ માલ આપીશ.