ગુજરાત ચૂંટણી પંચ તરફથી જસદણ વિધાનસભા પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. તારીખ જાહેર કરતાની સાથે જ આચારસંહિતાનો અમલ થઈ ગયો છે. આ બેઠક પર હવે 20મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. ત્રણ દિવસ બાદ એટલે કે 23મી ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. 26મી નવેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ કાર્યવાહી ત્રીજી ડિસેમ્બર સુધી ચાલશે. બાદમાં ફોર્મની ચકાસણી કર્યા બાદ છઠ્ઠી ડિસેમ્બરના રોજ અંતિમ ઉમેદવારોના નામની જાહેરાત ચૂંટણી પંચ તરફથી કરવામાં આવશે. રાજ્યના વર્તમાન મંત્રી કુંવરજીભાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી.
1971થી 2017 સુધી જસદણ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસનું એકચક્રી સાશન રહ્યું છે.આ વખતે કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસે ભાજપના ઉમેદવાર અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની સામે ગદ્દારને સજા આપો, સત્તા લાલચુને ઘરભેગો કરવાનો નારો આપ્યો છે. જસદણમાં પાટીદાર સમાજના સારા એવા વોટ છે ઉપરાંત મુસ્લિમ સમાજના પણ વોટ છે. આ ઉપરાંત આહિર અને અન્ય બક્ષીપંચના મતદારોની નિર્ણાયક સંખ્યા છે.
ભાજપે અત્યારથી જ ચૂંટણીને હાઈપ્રોફાઈલ ઓપ આપી દીધો છે. પંદર જેટલા નેતાઓની ટીમ કામે લગાડી દેવામાં આવી છે. ખુદ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને વિજય રૂપાણી પોતાની આબરુ બચાવવા માટે કામ લાગી ગયા છે. નજીકના ભવિષ્યમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે જસદણની પેટા ચૂંટણી માટે ભાજપ એડીચોટીનું જોર લગાવશે. જોકે, કોંગ્રેસમાં હજુ પણ હોતી હૈ, ચલતી હૈ જેવું વાતાવરણ છે અને કોંગ્રેસના નેતાઓ ઠંડુપાણી પીને બેઠાં હોય એવો ભાસ થાય છે.