મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવાની જાહેરાત કર્યા બાદ ગુજરાતમાં પણ પાટીદારોને અનામત મળે તેવા પાટીદાર અનામત આંદોલન સમિતિએ પ્રયાસો શરૂ કર્યા છે. હવે ગુજરાતમાં પણ પાટીદારોને અનામત મળે તેવી રજૂઆત કરવા હાર્દિક પટેલ ગાંધીનગર પહોંચ્યો હતો. હાર્દિક પટેલ ઓબીસી પંચ સમક્ષ પાટીદારોને અનામત મળે તે માટે સર્વેની કામગીરી હાથ ધરાય તેવી માંગ કરી હતી. જો કે આ બાદ પાસના પૂર્વ નેતા અને હાલ ભાજપમાં જોડાયેલા રેશમા પટેલનું મહત્વનું નિવેદન આપ્યું છે.
રેશમા પટેલે નિવેદન આપ્યું હતું કે, હવે જ્યારે પણ પાટીદાર સમાજની માગણી માટે હાર્દિક પટેલ OBC કમિશનમાં જશે ત્યારે તે પણ તેમની સાથે રહેશે. એટલે હાર્દિકની સાથે હવે રેશમા પટેલ જોવા મળશે. નોંધનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા રેશમા પટેલ અને વરૂણ પટેલે પાસ છોડી ભાજપમાં જોડાયા હતા. જે બાદ પાટીદારોના અનેક મુદ્દે હાર્દિક અને રેશમાં પટેલ આમને સામને આવી ગયા છે. તો રેશમા પટેલના આ નિવેદન બાદ એવું શક્ય બની શકે છે કે પાટીદારો માટે અનામતની માગણીના મુદ્દે ગાંધીનગરમાં આ બન્ને નેતા એક સાથે આવી શકે છે. જોકે, પાસ રેશમા પટેલનો સ્વીકાર કરે છે કે નહી તે જોવાનું રહેશે.