Gujarat: ગુજરાતમાં પ્રચંડ ગરમીના કારણે 10 ના મોત થયા છે, જ્યારે દેશના કાશ્મીર સહિત ઘણાં રાજ્યોમાં હીટવેવની માઠી અસરો થઈ છે. ઘણાં સ્થળો રેડ ઝોન જાહેર કરાયા છે. ઘણાં સ્થળે રેડ એલર્ટ અપાયું છે, તો ઘણા સ્થળે યલો એલર્ટ અપાયું છે.
ગુજરાતમાં દસેક દિવસથી ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. અને અબાલ-વૃદ્ધ સહિત સૌને તેની માઠી અસરો પહોંચી રહી છે. ગઈકાલે 12 દિવસની બાળકીને લૂ લાગતા વેન્ટીલેટર પર રાખવી પડી હોવાના અહેવાલો છે.
દરિયાકાંઠે ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યાં છે, તો અમદાવાદમાં ગરમીનું રેડએલર્ટ અપાયું છે. રાજયના 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
લોકોને અનિવાર્ય કારણો સિવાય ઘરની બહાર નહીં નીકળવાની સલાહ આપવામાં આવી છે.
ગુજરાતમાં ગરમીના પ્રકોપના કારણે દસ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. જેમાં માંડવી અને સુરતના એક-એક, ઉ.ગુજરાતના 2 અને આણંદના 6 કમભાગી લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હોટસ્ટ્રોકથી મૃત્યુના શંકાસ્પદ બીજા ચાર કેસો પણ નોંધાયા છે. કેટલાક વિસ્તારોમાં રાત્રે પણ 40 ડીગ્રી જેવું તાપમાન રહ્યું હોવાનું જાણવા મળે છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે, સિઝનમાં પ્રથમ વખત તાપમાન 46 ડિગ્રીને પાર પહોંચ્યું છે. કંડલામાં સૌથી વધુ તાપમાન 46.1 ડિગ્રી નોંધાયું છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 44 ડિગ્રીથી વધુ નોંધાયું છે. બે દિવસ અમદાવાદમાં રેડ એલર્ટની આગાહી કરાઈ છે.
બીજી તરફ આજે સમગ્ર દેશ ગરમીની લપેટમાં છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ધરતીના સ્વર્ગ એવા કાશ્મીરમાં ગરમીનું મોજું ચાલી રહ્યું છે. ત્યાં રહેતા લોકો અને પ્રવાસીઓ ગરમીના મોજા સામે ઝઝૂમી રહ્યા છે. હવામાન વિભાગમાં નોંધાયેલા રેકોર્ડ મુજબ, બુધવાર કાશ્મીરમાં સિઝનનો સૌથી ગરમ દિવસ હતો. બુધવારે શ્રીનગરમાં તાપમાન 31.6 ડિગ્રી હતું. જમ્મુ અને તેના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચી ગયું છે.
હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે કે 28 મે સુધી જમ્મુ-કાશ્મીરમાં વરસાદ નહીં પડે અને હીટવેવ ચાલુ રહેશે. હવામાન વિભાગે શાળાઓને ઉનાળાની રજાઓ લેવા અને લોકોને ઘરની અંદર રહેવાની પણ સલાહ આપી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં લગભગ ૬ દિવસ સુધી હીટ વેવ રહેશે. પર્વતોમાં હવામાન ગરમ અને શુષ્ક રહેવાની શકયતા છે. 23 મીથી 28 મી મે દરમિયાન સમગ્ર વિસ્તારમાં ગરમ પવનો ફૂંકાશે. કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડી શકે છે, પરંતુ વરસાદ પછી ભેજનું પ્રમાણ વધુ રહેવાની શકયતા છે. આ પછી 29 થી 31 મે દરમિયાન હવામાન વિભાગે વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને પણ એલર્ટ જાહેર કર્યું છે.
લોકોને સૂર્યપ્રકાશ ટાળવાની સલાહ આપવામાં આવે છે. બાળકો અને વૃદ્ધોને ઘરની અંદર રાખવા અપીલ કરવામાં આવી છે. આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે બને એટલું પાણી અને જ્યુસ પીવો. ફળો અને લીલા શાકભાજી ખાઓ. જો તમારે ઘરની બહાર જવું હોય તો છત્રી સાથે રાખો. સૂર્યના કિરણોથી હીટ સ્ટ્રોકનું જોખમ રહેલું છે.
હીટવેવથી સાવધ રહેવા કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે પણ ગરમીથી બચવા માટે એડવાઈઝરી જાહેર કરી છે. બીજી તરફ જેસલમેરમાં 48 ડીગ્રી અને રણપ્રદેશમાં તાપમાન 50 ડીગ્રી સુધી પહોંચ્યું હોવાના અહેવાલો છે.