મોદી સરકારના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આગામી 2019ની લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. ચૂંટણી નહીં લડવા પાછળ સ્વરાજે પોતાના સ્વાસ્થ્યને કારણભૂત ગણાવ્યું છે. મધ્યપ્રદેશમાં પત્રકારો સાથે વાત કરતા સ્વરાજે ચૂંટણી નહીં લડવાનું એલાન કર્યુ હતું.
સ્વરાજે કહ્યું કે પાર્ટી જે કશું પણ નક્કી કરે તે હશે પણ મેં મારા તરફથી ચૂંટણી નહીં લડવા માટે પાર્ટીને જાણ કરી દીધી છે. ડોક્ટકરોનું કહેવું છે કે સતત પ્રવાસના કારણે તેમને ઈન્ફેકશન લાગતું રહ્યું છે. 2016માં જ સુષ્મા સ્વરાજે જાહેર કર્યું હતું કીડની ટ્રાન્સપ્લાન્ટ થવાના કારણે જાહેર કાર્યક્રમોથી અલિપ્ત થવાનું વિચારી રહ્યા છે.
સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે તેઓ ડાયાલીસીસ પર છે અને લોર્ડ ક્રિષ્ના હોસ્પિટલમાં તેમની કીડનીને ટ્રાન્સપ્લાન્ટ કરવાની સર્જરી કરવામાં આવી હતી. સર્જરી પૂર્વે પણ તેમણે જાહેર કાર્યક્રમોથી અલિપ્ત થવાની જાહેરાત કરી હતી.
સુષ્મા સ્વરાજ મધ્યપ્રદેશના વિદિશાથી સાંસદ તરીકે ચૂંટાયેલા છે. તેઓ વાજપેયી સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા હતા અને લોકસભાની પાછલી ટર્મમાં વિપક્ષી નેતા તરીકે કાર્યરત રહ્યા હતા. વિદેશ મંત્રી તરીકે તેમના કાર્યકાળને સફળ કાર્યકાળ ગણવામાં આવે છે.