બોલિવૂડના મહાનાયક બિ-બી એટલે કે અમિતાભ બચ્ચન વડોદરાના મહેમાન બન્યા હતા. વડોદરાના નવલખી મેદાનમાં આયોજિત બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના કાર્યક્રમમાં હાજર રહેલા બિગ-બીને સયાજી રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપવા બિગ-બીએ ખાસ સમય ફાળવ્યો હતો. આજે મહારાજા સયાજી રાવ ગાયકવાડન 150 જન્મ જયંતિ છે. મહારાજાની જન્મ જયંતિ પ્રસંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
એવોર્ડ સ્વીકારી અમિતાભ બચ્ચને કહ્યું કે પુરસ્કાર માટે અનમોલ છે. વડોદરા આવતા મને ઘર જેવો માહોલ લાગે છે અને આનંદ આવે છે. બિગ-બીએ પોતાનું અમિતાભ રાખવામાં આવ્યું તે અંગે પિતા હરીવંશરાય બચ્ચન અને માતા તેજી બચ્ચનના સ્મરણને વાગોળતા કેટલીક બાબતો લોકો સમક્ષ મૂકી હતી.
બિગ-બીએ જણાવ્યું કે અમારા ઘરમાં વૈદ્યજી આવતા હતા અને તેઓ જ્યોતિષથી લઈ અનેક બાબતોના જાણકાર હતા. વૈદ્યજીએ પિતા પાસે આવીને મારા નામ અંગે પૃચ્છા કરી હતી. પિતાજીએ કશું પણ કહ્યું પણ વૈદ્યજીએ મને જોઈને એટલું કહ્યું કે આ બાળકનું નામ અમિતાભ રાખવામાં આવે. આવી રીતે મારું નામ અમિતાભ રાખવામાં આવ્યું.
પિતા હરીવંશ રાય બચ્ચનને યાદ કરતા કહ્યું બિગ-બીએ કહ્યું કે પિતાજી સાથે મીઠો ઝઘડો પણ થતો હતો અને એક વાર પિતાજીને મારાથી કહેવાયું હતું કે આપને મુઝે જન્મ હી ક્યૂં દીયા. ત્યાર બાદ પિતાજીએ કવિતા લખી અને આજે એ કવિતા ખૂબ જ લોકપ્રિય પણ છે. ત્યાર બાદ બિગ-બીએ પોતાની ફિલ્મ અગ્નિપથની કવિતા વાંચી હતી. આ કવિતા પણ તેમના પિતાએ જ લખેલી છે.