ગુજરાત હાઈકોર્ટમાં પાટીદાર અનામત આંદોલન સમિતીના નેતા અને હાર્દિક પટેલના વિશ્વાસુ અલ્પેશ કથીરીયાને આજે જામીન આપી દીધા છે. અલ્પેશ કથીરીયા પાછલા કેટલાય સમયથી રાજદ્રોહના કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ હતા. અમદાવાદના રાજદ્રોહ કેસમાં જામીન મળ્યા બાદ પણ અલ્પેશ કથીરીયા જેલમાં રહેશે.
ગઈકાલે સુરત પોલીસે અલ્પેશ કથીરીયાની સુરત રાજદ્રોહના કેસમાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી. જેથી કરીને અમદાવાદ કેસમાં અલ્પેશ કથીરીયાને જામીન મળ્યા હોવા છતાં તેઓ જેલમાં રહેશે. અમદાવાદની નીચલી કોર્ટે કથીરીયાના જામીન નામંજુર કર્યા હતા. ત્યાર બાદ હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટના ચીફ જસ્ટીસ એ.જે.કોગજેએ જામીન અરજીની સુનાવણી કરી હતી.