વિદેશ મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજે 2019 લોકસભાની ચૂંટણીને લઇને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સમાં તેમને કહ્યું કે તે, 2019ની લોકસભાની ચૂંટણી નહીં લડે, પરંતુ જો પાર્ટી નિર્ણય કરશે તો તેના પર વિચાર કરશે.
તમને જણાવી દઇએ કે,સુષમા સ્વરાજે ઈન્દૌરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે, તેમણે પાર્ટીને પોતાની ઈચ્છા જણાવી દીધી છે, પરંતુ છેલ્લો નિર્ણય પાર્ટીનો જ હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુષમા મધ્યપ્રદેશના વિદિશાથી લોકસભાના સાંસદ છે, તે છેલ્લા ઘણા લાબા સમયથી અસ્વસ્થ છે. અત્યારે બે વર્ષ પહેલા જ તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. પ્રખર વક્તા તરીકે જાણીતી સુષમા સ્વરાજ પાર્ટીના કદ્દાવર નેતા હોવાની સાથે સાથે એક લોકપ્રિય મંત્રી પણ છે. હાલ તેઓ દેશના વિદેશ મંત્રી છે, જે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહીને સામાન્ય લોકોને ઘણી મદદ કરે છે, જેના કારણે યુવાઓમાં તેમના પ્રતિ ઘણો ક્રેઝ છે.