રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલે અમદાવાદ સિટી કોર્ટમાં હાજરી આપી હતી. કોર્ટમાં હાજર રહેલા હાર્દિકને ચાર્જશીટની કોપી આપવામાં આવી હતી. હાર્દિક પટેલ પર અમદાવાદ અને સુરતમાં રાજદ્રોહના કેસ દાખલ કરવામાં આવેલા છે.
કોર્ટમાં બાહર આવ્યા બાદ હાર્દિક પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે રાજદ્રોહના ખોટા કેસમાં મારા પર આરોપનામું મૂકવામાં આવ્યું છે. કાયદાકીય લડાઈમાં લડત ચાલુ છે સરકાર દ્વારા આંદોલનને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ કેસો કરીને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. પોલીસે ગેરમાર્ગે દોરીને ચાર્જશીટ તૈયાર કરી છે. ખોટી રજૂઆત કરવામાં આવી રહી છે. હવે કોર્ટનો જે આદેશ હશે તે માથે ચઢાવીશું.
હાર્દિકે કહ્યું કે કોઈ પણ વ્યક્તિને રેલી, સભા કરવાનો અધિકાર છે. પોલીસે કહ્યું છે કે ખોટી રીતે આંદોલન ચલાવતા હતા. તોડફોડ કરવામાં આવી. પણ શરૂઆત તો પોલીસે જ કરી હતી. કોર્ટમાં દલીલો થશે. આજે હાજર થવા પાછળનું કારણ કોર્ટનો આદેશ છે. કોર્ટે કહ્યું કે હાજર થઈ જાઓ એટલે હાજર થયા છે.
તેણે કહ્યું કે કોર્ટ કહેશે કે હાર્દિક પટેલને ફાંસી આપવામાં આવે તો ફાંસી સ્વીકારવી પડે. નીચલી કોર્ટ છે, પછી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ છે. કોર્ટના આદેશને માથે ચઢાવીશું. પોલીસ તંત્ર ભ્રષ્ટાચારમાં છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ભ્રષ્ટાચારના ખભે-ખભે ભરતા હોય તો પોલીસ પર વિશ્વાસ રાખવાનો સવાલ જ ઉભો થતો નથી. અભય ચૂડાસમા અને ડીજી વણઝારા પર પણ આરોપ લાગ્યા છે. અમારા પર એવી રીતે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યા છે કે જાણે પાકિસ્તાનમાં યુદ્વ કરવા ન ગયા હોય.
દિનેશ બાંભણિયાની ધરપકડ અંગે હાર્દિકે કહ્યું કે અમે તો અગાઉથી કહેતા જ આવેલા છે કે સરકાર યુવાનોને ખોટી રીતે જેલમાં ધકેલી રહી છે. બાંભણીયા અંગે હાર્દિકે કોઈ વિશેષ ટીપ્પણી કરી ન હતી.