સુરત એરપોર્ટ પર હવે ફૂડ-એગ્રો તથા મરીન ઇન્ડસ્ટ્રીને કેન્દ્રમાં રાખીને કોલ્ડ સ્ટોરેજ અને એસી પ્લાન્ટની પણ સુવિધા ઊભી કરવામાં આવનારી છે. સુરત એરપોર્ટ ઉપર સતત વધી રહેલા એરટ્રાફિક સાથે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના પાર્સલ-ગુડઝ કાર્ગો માટેની સુવિધા શરૂ કરવાનું આયોજન થઇ રહ્યું છે. હાથ ધરાયેલા કાર્ગો પ્રોજેક્ટ પૂર્ણતાને આરે છે. માર્ચ 2019 સુધીમાં કાર્ગો ટર્મિનલ કાર્યરત થવાનો અંદાજ છે. ત્યારે કાર્ગોની સાથે સાથે કોલ્ડ સ્ટોરેજ હાથ ધરાયો છે. જે માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. .
સુરત એરપોર્ટ સાથે સંકળાયેલા જાણકારો મુજબ ઔદ્યોગિક સિટી સુરતના વેપાર-ઉદ્યોગને સપોર્ટ મળી શકે તે માટે સુરત એરપોર્ટ ઉપર કાર્ગો સુવિધા શરૂ કરવા નિર્ણયકરવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2016માં સુરત એરપોર્ટ ઉપર કાર્ગો ટર્મિનલ બનાવવાનો વહિવટી નિર્ણય કરાયો હતો. જે અંગે રૂપિયા 8 કરોડનો પ્રોજેક્ટ મંજૂર થયા બાદ તેના નિર્માણની કામગીરી ચાલી રહી છે. એટીસી ટાવર તથા ટર્મિનલ બિલ્ડિંગ વચ્ચેના વિસ્તારમાં તૈયાર થઇ રહેલા આ ટર્મિનલમાં ગ્રાઉન્ડ ફ્લોર તથા ફર્સ્ટ ફ્લોની બાંધકામ થઇ રહ્યું છે. કુલ 2000 ચો.મીટરનું બાંધકામ થઇ રહ્યું છે. જે અંતિમ તબક્કામાં છે.