સીવીસી રિપોર્ટ પર સીબીઆઈ ચીફ આલોક વર્માના જવાબના કેટલાક અંશ લીક થવા બાબતે નારાજ સુપ્રીમ કોર્ટે 28મી નેવમ્બર સુધી સુનાવણી ટાળી દીધી છે. સીવીસી જવાબની કેટલીક વાતો મીડિયામાં પબ્લીશ થઈ હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ ગોગોઈએ આલોક વર્માના વકીલ ફલી નરીમાનને પૂછ્યું કે સીવીસી રિપોર્ટની કોપી વર્માના વકીલની હેસિયતે નહીં પણ સિનિયર વકીલ હોવાના નાતે આપવામાં આવી હતી, તો પછી આ પેપર મીડિયા પાસે કેવી રીતે પહોંચી ગયા. આ અંગે ફલી નરીમાને કોઈ જાણકારી ન હોવાનું કહી રિપોર્ટ લીક કરનારાઓને કોર્ટમાં હાજર રહેવાનું જણાવવામાં આવે. ફલી નરીમાનના જવાબથી ગુસ્સે ભરાયેલા ચીફ જસ્ટીસે કહ્યું કે તમે આ સુનાવણીના લાયક જ નથી.
અત્રે નોંધનીય છે કે આલોક વર્માએ સીવીસી દ્વારા મૂકવામાં આવેલા આરોપો અંગેનો જવાબ સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને સુપરત કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સિલબંધ કવરની વિગતો જાહેર થતાં વકીલ ફલી નરીમાનને ખુલાસો પૂછ્યો હતો. સોમવારે કોર્ટે કહ્યું હતું કે આલોક વર્માએ આજે જ જવાબ રજૂ કરવો પડશે અને સુનાવણીમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. વર્માના અન્ય વકીલ ગોપાલ શંકરનારાયણે મંગળવારનો સમય માંગ્યો હતો પણ કોર્ટે તેમની માંગને ફગાવી દીધી હતી.
આલોક વર્માના વકીલ ગોપાલે ન્યૂઝ એજન્સીને કહ્યું કે કોર્ટ સમક્ષ સમય આપવાની ડિમાન્ડ કરવામાં આવી હતી પરંતુ કોર્ટ ઈન્કાર કરતાં સોમવારે એક વાગ્યે વર્માનો જવાબ કોર્ટને આપી દેવામાં આવ્યો છે. સીવીસીની રિપોર્ટ અંગે 16મીએ કોર્ટે વર્માને 19મી સુધીમાં જવાબ રજૂ કરવાનું જણાવ્યું હતું. કોર્ટમાં વર્માને રજા પર ઉતારી દેવાના અને તેમની વિરુદ્વ ભ્રષ્ટાટારના આરોપો અંગેની સુનાવણી કરવામાં આવી રહી છે.