ગુજરાત સરકાર દ્વારા વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ચાર સ્થળો પર નવા ચાર લાયન, ટાયગર અને દીપડાના સફારી પાર્ક બનાવવાની જાહેરાત કરી છે. જેમાં ૪૦૦થી ૫૦૦ હેક્ટર જમીનમાં આ જંગલના રાજાઓ ખુલ્લામાં ફરશે. પ્રવાસીઓ બસમાં બેસીને તેને જોઈ શકશે. રાત્રીના સમયે તેઓને પાંજરમાં પૂરી દેવાશે.
આ અંગે વનમંત્રી ગણપત વસાવાએ જણાવ્યું કે, ગુજરાત સરકાર અલગ અલગ સફારી પાર્ક બનાવશે. જેમાં ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની સામે જંગલ ખાતાની પુષ્કળ જગ્યા છે. કુદરતી વાતાવરણ પણ છે. અહીં લાયન પાર્ક બનાવાશે. જ્યારે કેવડીયા ખાતે ટાયગર સફારી પાર્ક અને વાંસદામાં તથા સુરતના માંડવી ખાતે દીપડાઓનો સફારી પાર્ક બનાવાશે.
તેઓએ કહ્યું કે આવા નવા લાયન-ટાયગર-દીપડાના સફારી પાર્ક બનાવવા માટેની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા મળી ગઈ છે. હવે આગામી ટૂંક સમયમાં જ પાર્ક કઈ રીતે બનાવવા તેની કાર્યવાહી હાથ ધરાશે.