Gujarat: ગુજરાતના GST કમિશનર ચંદ્રકાંત વળવી સામે ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. હાલમાં અમદાવાદ કાર્યરત જીએસટી કમિશનરે મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં કંડાટી ખીણમાં આખા ગામની અંદાજિત 600 એકરથી વધુ જમીન ખરીદી હોવાના સ્ફોટક રિપોર્ટથી ખળભળાટ વ્યાપી ગયો છે.
ચંદ્રકાંત વળવી હાલમાં ગુજરાતના અમદાવાદમાં GSTના ચીફ કમિશનર છે
તેમણે તેમના પરિવાર અને સગા-સંબંધીઓ સાથે મળીને મહાબળેશ્વર પાસેના ઝડાણી ગામની આખી જમીન ખરીદી લીધી છે. આનાથી ત્યાંની 620 એકર જમીન લઈ લીઘી હોવાની માહિતી બહાર આવી છે. પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986, વન સંરક્ષણ અધિનિયમ 1976 અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 જેવા ઘણા મહત્વપૂર્ણ કાયદાઓનું સતત ઉલ્લંઘન કરવામાં આવ્યા હોવાના આક્ષેપો નેશનલ મીડિયા અને ડિજીટલ મીડિયાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે.
સામાજિક કાર્યકર્તા સુશાંત મોરેએ મરાઠી વેબસાઈટને કહ્યું કે આ કાયદાઓનું ઉલ્લંઘન કુદરતી સંસાધનો અને પર્યાવરણ માટે ગંભીર ખતરો છે. આ ઉલ્લંઘનોથી ગંભીર પરિણામો આવી રહ્યા છે, જેમાં જૈવ વિવિધતા, હવા અને જળ પ્રદૂષણ અને આબોહવા પરિવર્તનનો સમાવેશ થાય છે. આજુબાજુમાં છેલ્લા 3 વર્ષથી મોટા પાયે ખનન અને ખાણકામ ચાલી રહ્યું છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે વહીવટીતંત્રને આ અંગેની જાણ સુદ્ધાં નથી. આનાથી ભયાનક વાસ્તવિકતા સામે આવી છે કે કોઈ સરકારી અધિકારી તપાસ કરવા આવતા નથી.
સ્થાનિક સામાજિક કાર્યકર્તા સુશાંત મોરેએ આક્ષેપ સાથે કહ્યું કે આ કથિત GST અધિકારીએ ગામમાં દરેકને કહ્યું હતું કે તેમની જમીન સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવી રહી છે.