આજે 19 નવેમ્બર એટલે કે ‘વર્લ્ડ ટોયલેટ ડે’. આજે વિશ્વ આખુ વર્લ્ડ ટોઇલેટ દિવસની ઉજવણી કરી રહ્યું છે. સરકાર પણ ઘર-ઘર ટોઇલેટ હોય અને દેશમાં સ્વચ્છતા જળવાઇ રહે એ વાત પર વિશેષ ધ્યાન આપી રહી છે. ત્યારે અમદાવાદ ખાતે સ્વચ્છતા અને ટોઇલેટ પ્રત્યે જાગૃતિ માટે એક અનોખુ કાફે બનાવવામાં આવ્યું છે. આ કાફેનું નામ જ ટોઇલેટ કાફે રાખવામાં આવ્યું છે. માત્ર નામ જ નહીં પણ આ કાફેની થીમ પણ ટોઇલેટ આધારિત છે. એટલે કે અહીં ડાઇનિંગ ટેબલ તો છે જ પરંતુ બેસવા માટે ચેઇર નહીં ટોઇલેટ કબનો ઉપયોગ કરવામાં આવે છે.
આ કાફે સાબરમતી ગાંધી આશ્રમ પાસે આવેલા સફાઇ વિદ્યાલયમાં બનાવવામાં આવ્યું છે. જ્યાં માત્ર ત્યાંના કર્મચારીઓ જ ચા-નાસ્તાની મજા માણી શકે છે. દેશનું પ્રથમ ટોઇલેટ સેલિબ્રિટિઝને પણ આકર્ષિત કરે છે. આ કાફેની મુલાકાત હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ, મહાનાયક અમિતાભ બચ્ચન, દલાઇ લામા જેવી હસ્તીઓ પણ મુલાકાત લઇ ચૂકી છે. આ કાફે પાસે ટોઇલેટ ગાર્ડન અને ટોઇલેટ મોડલ પણ છે.
કાફેના કો-ઓર્ડિનેટર અરવિંદ પટેલ કહે છે કે, ‘ઘરે શૌચાલય બનાવવાનો અને સ્વચ્છતા જાળવવાનો સંદેશ પ્રસરાવવા કાર્ય કરતા પદ્મશ્રી ઈશ્વરભાઈ પટેલે 1967માં ટોયલેટ ગાર્ડન બનાવ્યું હતું. એ પછી એમના પુત્ર જયેશ પટેલપિતાના સંદેશને આગળ વધારવા બિનઉપયોગી કમોડનો ઉપયોગ કરી ટોયલેટ કાફે બનાવ્યું. આ સંસ્થામાં સેનિટેશન અને હેલ્થને લગતા કાર્યક્રમો પણ થાય છે.’