સુરત મહાનગર પાલિકાના સાઉથ-ઈસ્ટ ઝોન(લીંબાયત ઝોન)ના ઝોનલ અધિકારી ભૈરવ દેસાઈ વિવાદમાં ધેરાયા છે. ઉંમરવાડા ખાતે આવેલા મલ્ટી લેવલ પાર્કીંગના કોન્ટ્રાક્ટ માટે ઈજારદારોને આજે બોલાવ્યા હતા પણ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયું હોવાનું જાહેર કરતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે.
વિગતો મુજબ સુરત મહાનગર પાલિકાના લીંબાયત ઝોનમાં આવેલા ઉંમરવાડાના ફાઈનલ પ્લોટ નંબર-147માં આવેલા મલ્ટી લેવલ પાર્કીંગમાં પે એન્ડ પાર્કનો ઈજારો આપવા માટે ત્રણ મહિનાની મુદ્દત માટે ઈજારદારોને આજે સવારે નિમંત્રવામાં આવ્યા હતા.
વિગતો મુજબ આજે સવારે ટેન્ડર માટેની ઓફરોના કવર ખોલવી મુદ્દત આપી ઈજારદારોને લીંબાયત ઝોન ખાતે હાજર રહેવાનું જણાવવામાં આવ્યું હતું. ઈજારદારોએ પોતાની ઓફર આપી દીધી હતી. હાઈએસ્ટ ઓફરમાં 4.50 લાખ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે ટેન્ડર આપી દેવામાં આવ્યું તેની પ્રાઈઝ સાડા ત્રણ લાખ રૂપિયા થવા જાય છે.
પાલિકાના સૂત્રો મુજબ 4.50 લાખની સ્ટેન્ડીંગ ઓફર હોવા છતાં લીંબાયત ઝોનના ઝોનલ ચીફ ભૈરવ દેસાઈએ 3.50 લાખમાં ટેન્ડર આપી દેવામાં આવ્યું હોવાનું જાહેર કરતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. મામલો છેક મ્યુનિસિપલ કમિશનર થેન્નારાસન સુધી પહોંચી જવા પામી છે.
માહિતી મુજબ જે ઈજારદારને ટેન્ડર આપવામાં આવ્યું તેન પાસે કોઈ અનુભવ નથી. અનુભવી અને હાઈએસ્ટ ભાવ આપનારા ઈજારદારોને પડતા મૂકી ભાજપના નેતાઓના પ્રેશરમાં આ કામ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાર્કીંગની ફાળવણીમાં ઈજારદારો સાથે મેળાપીપણું કરી અને સ્થાયી સમિતિએ ઉપરથી મંજુર કરી દીધું હોવાનું જણાવી સસ્તા ભાવે ટેન્ડર આપી દેવામાં ભૈરવ દેસાઈ ભેરવાઈ ગયા છે. હવે જોવાનું એ રહે છે કે મ્યુનિસિપલ કમિશનર આ અંગે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે. જોકે, આ અંગે આગામી દિવસોમાં કોર્ટ પ્રકરણ થવાની શકયતા પણ નકારી શકાતી નથી.
વર્તુળો મુજબ નજીકના ભવિષ્યમાં મહિધરપુરા ખાતે ખાન સાહેબના ડેલાના પાર્કીંગની પણ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે અને આ ટેન્ડર પર પણ કબ્જો કરવા માટે દલાલો સક્રીય થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.