સુરતની પ્રખ્યાત સ્મીમેર હોસ્પિટલમાં ગઇકાલે મોડી રાત્રે પાંચ નંબરની લિફ્ટમાં 6 લોકો ફસાઇ જતા રીતસરની દોડધામ મચી ગઇ હતી. આ લિફ્ટમાં સગર્ભા સહિત બે દર્દી તદઉપરાંત 108ના કર્મચારી અને અન્ય દર્દીના સગા અડધો કલાકથી પણ વધુ ફસાઇ ગયા હતા. બાદમાં ફાયર ફાઇટરની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.
મોડી રાત્રે વડોદ ગામ પાંડેસરામાં પ્રસૂતાની પીડાનો કોલ આવ્યો હતો. 19 વર્ષની મહિલાને નવમા મહિને પ્રસૂતાની પીડા ઉપડતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની હતી. અહીં લિફ્ટની મદદથી સગર્ભા મહિલાને અને તેમના પરિવારના સભ્યોને 5 નંબરની લિફ્ટમાં ઉપર લઈ જવાતા હતા. ત્યારે અચાનક લિફ્ટ બંધ થઇ જતા દર્દી અને તેમના સગાઓમાં ગભરામણ ઉભી થઇ હતી. સૂઝબૂઝ વાપરી તાત્કાલિક ફાયરમાં ફોન કરતા ફાયરના જવાનો દોડી આવ્યા હતા. અને લગભગ 50 મિનિટ બાદ તમામને બહાર કઢાયા હતા.