મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને આર્થિક અને સામાજિક રીતે વર્ગીકૃત કરી અનામત આપવાની જાહેરાત કરી છે. અનામત આપવામાં હાલનાં ક્વોટાને યથાવત રાખ્યો છે. બીજી તરફ ગુજરાતમાં પાટીદાર અનામત અંગે ગુજરાત સરકાર કોઈ નિર્ણય કરી શકતી નથી. તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આબીસી પ્રમાણે સરવે કરવાની વાત કરી છે, સરવે ક્યારથી શરૂ કરવામાં આવશે અને ક્યારે પૂર્ણ થશે એની બાંધી મુદ્દત આપી નથી.
હાર્દિક પટેેલના આંદોલન બાદ ગુજરાતમાં તે વખતના ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પાટીદારોને 20 ટકા અનામત આપવાનું વચન ચૂંટણી ઢંઢેરામાં આપ્યું હતું. કોંગ્રેસે વિધાનસભામાં પાટીદાર અનામતને લઈ પ્રાઈવેટ બીલ પણ રજૂ કર્યું હતું પરંતુ ભાજપ સરકારે તે પાસ થવા દીધું ન હતું.
કપિલ સિબ્બલે ત્યારે કહ્યું હતું કે પાટીદારોને અનામત આપી શકાય છે ત્યારે ભાજપના નેતાઓએ કપિલ સિબ્બલન ઠેકડી ઉડાડી હતી પણ ગુજરાત ભાજપના નેતાઓની ઠેકડીની હવા મહારાષ્ટ્રની જ ભાજપ સરકાર કાઢી નાંખી છે. મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને અનામત આપી મહારાષ્ટ્રમાં ઉગ્ર બનતા આંદોલનને શાંત પાડી દીધો છે જ્યારે ગુજરાતમાં ભાજપના નેતાઓ આંદોલનને ફરીથી પલીતો ચંપાય તેની રાહ જોતાં હોય એવું લાગી રહ્યું છે.
પાટીદાર સમાજની સાથો સાથ ગુજરાતમાં 10 ટકા વસ્તી ધરાવતા મુસ્લિમ સમાજમાંથી પણ અનામતની માંગ ઉઠતી રહી છે. સરકારી નોકરીઓ અને પ્રાઈવેટ સેકટરમાં મુસ્લિમોને નોકરીના મામલે અન્યાય થતો હોવાની રજૂઆત અનેક વખત કરવમાં આવી છે. મુ્સિલમ સમાજની સ્થિતિનો ચિતાર સચ્ચર કમિટીએ આપેલા રિપોર્ટમાં જોવા મળે છે. ગુજરાત સહિત સમગ્ર દેશના મુસ્લિમો સામાજિક અને આર્થિક રીતે મોટા પ્રમાણમાં પછાત છે. મુસ્લિમોની સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે મુ્સિલમ સમાજના અનેક સંગઠનોએ રાજ્ય અને કેન્દ્ર સરકારને અનામત આપવા અંગે પત્રો લખેલા છે. હવે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મુસ્લિમ અનામતની માંગ બુલંદ બનશે એવી જાણકારી મળી રહી છે.