અમદાવાદ શહેરમાં આજે તા.૧૯ નવેમ્બરથી ખેલ મહાકુંભ-૨૦૧૮ અંતર્ગત રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધા શરૃ થશે. જેમાં રાજ્યની કુલ ૪૧૦ ટીમના ૫,૩૩૦ ખેલાડીઓ કબડ્ડીના મેદાનમાં તેમનું કૌશલ્ય બતાવશે. આમા બહેનોની ૨૦૫ ટીમોની ૨,૬૬૫ મહિલા ખેલાડીઓ પણ ભાગ લેનાર છે. કર્ણાવતી ક્લબ ખાતે આ સ્પર્ધા આગામી તા.૨૯ નવેમ્બર સુધી યોજાશે. ૩૦ નવેમ્બરે ફાઇનલ સ્પર્ધા યોજાવાની છે.
આ અંગે અમદાવાદ જિલ્લાના રમતગમત અધિકારી તેજલ ચૌહાણના જણાવ્યા મુજબ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલમહાકુંભની રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધા અમદાવાદમાં યોજવાનું નક્કી કરાયું છે. આવતીકાલે સવારે ૯ કલાકે તેનું ઉદઘાટન થશે. સ્પર્ધા સવારે ૭ થી ૧૨ કલાક તેમજ સાંજે ૪ થી ૯ઃ૩૦ કલાક સુધી યોજાશે. સ્પર્ધામાં પ્રથમ આવનાર ટીમને ૩૬ હજાર થી ૬૦ હજારનું રોકડ ઇનામ અપાશે. વિજેતા ખેલાડીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝના મળીને કુલ ૨૧૬ મેડલો સાથે ૬.૨૪ લાખની રોકડ રકમ ઇનામરૃપે અપાશે.
આ કબડ્ડી સ્પર્ધામાં ખેલાડીઓને પ્રોત્સાહિક કરવા માટે પ્રો.કબડ્ડી ટીમના સ્ટાર ખેલાડીઓ પણ મુલાકાત લેનાર હોવાનું અધિકારીઓનું કહેવું છે. નોંધપાત્ર છેકે ખેલમહાકુંભમાં હાલમાં રાજ્યકક્ષાની લોન ટેનિસ સ્પર્ધા પણ અમદાવાદમાં મણિનગર ખોખરા સ્પોર્ટસ સંકુલ ખાતે યોજાઇ રહી છે. જે આગામી તા.૧૩ ડિસેમ્બર સુધી શરૂ રહેશે