પંજાબના અમૃસરમાં આવેલા નિરંકારી ભવનમાં રવિવારે બપોરે સત્સંગ દરમિયાન ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી ત્રણ લોકોના મોત નિપજ્યા છે અને 14 કરતાં વધુ લોકોને ઈજા પહોંચી છે. પંજાબ પોલીસે ત્રણ દિવસ પહેલાં એલર્ટ જાહેર કર્યું હતું. આઈજી બોર્ડર સુરીન્દર પાલ સિંહ પરમારે હુમલામાં ત્રણના મોતને કન્ફર્મ કર્યા છે.
અમૃસરના રાજાસાંસી રોડ પર અલીવાલ ગામમાં નિરંકારી ભવન આવેલું છે. અહીંયા રવિવારે સત્સંગ યોજવામાં આવે છે. હુમલાની જાણ થતાં જ ઘટના સ્થળ પર ફોરેન્સિક ટીમ પહોંચી ગઈ હતી. પોલીસ ઉપરાંત અન્ય રેસ્કયુ ટીમો પણ કામે લાગી હતી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં કલમ 144ને લાગુ કરવામાં આવી છે.
બોર્ડર સિક્યોરીટી ફોર્સે પણ એલર્ટ આપ્યું છે. સત્સંગ ભવનમાં હાજર લોકોનું કહેવું છે ક બે હુમલાખોરો હતા અને બન્ને બાઈક પર આવ્યા હતા. ગ્રેનેડ ફેંકનાર યુવાનની ઉમર વધુ ન હતી. ભવનમાં હાજર સ્વંયસેવકોએ હુમલાખોરોને પકડવાની કોશીશ કરી પરંતુ હુમલાખોરો ભાગવામાં સફળ રહ્યા હતા. હુમલામાં ઈજા પામેલા કેટલાક લોકોની સ્થિતિ નાજૂક છે.