ગુજરાતમાં ક્રાઈમ રેટમાં ભારે વધારો થઈ રહ્યો છે. ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. વહીવટી તંત્ર સીધી રીતે બ્યુરોક્રેટ્સના હાથમાં રમી રહ્યું છે. સરકાર જાણે અચેતન અવસ્થામાં હોય તે રીતે અધિકારી રાજ ચાલી રહ્યું છે. ગુજરાતના વહીવટને ભાજપ સરકાર નહીં પણ અધિકારીઓ ચલાવી રહ્યા હોવાનું વધુ ઉજાગર થઈ રહ્યું છે.
પાટીદાર અનામત આંદોલન થતાં ભાજપના ધોતીયાછાપ નેતાના રિપોર્ટ પર આનંદીબેન પટેલને ખુરશી પરથી ઉતારી મૂકવામાં આવ્યા હતા અને વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. અહિંસા પરમો ધર્મમાં માનતા રૂપાણીના રાજમાં ગુજરાતનો કોઈ પણ ખૂણો સલામત જણાઈ આવી રહ્યો નથી. પાટીદાર અનામત આંદોલનની આગ ફરી પ્રજવલ્લિત થઈ રહી છે. દલિતો પર અત્યાચારની ઘટના અટકી રહી નથી. મુસ્લિમોની પજવણી બંધ થઈ રહી નથી. બ્રાહ્મણો પણ સરકારથી નારાજ છે.
કેન્દ્ર સરકારના કાર્યોના લિસોટા પણ ગુજરાત સરકાર પર પડી રહ્યા છે. મોંઘવારી જરાય ગાંઠતી નથી. લોકસભાની 26 બેઠકમાંથી 2014માં ભાજપે 26 બેઠક હાંસલ કરી હતી. કોંગ્રેસને સમખાવા પુરતીય બેઠક મળી ન હતી. પણ હવે ગુજરાત ભાજપના નેતાઓમાં ધ્રાસ્કો પડ્યો છે. જો આ વખતે 26માંથી 26 બેઠક નહીં આવી અથવા 26માંથી 20 પણ નહીં આવી તો ગુજરાત ભાજપના અનેક નેતાઓ ઈતિહાસ બની જશે.
વિજય રૂપાણી, નીતિન પટેલ અને જીતુ વાઘાણીએ ગુજરાતમાં જેટલી શક્તિ હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરને રાજકીય રીતે સાફ કરવા ખર્ચી તેટલી શક્તિ ભાજપમાં ચાલી રહેલા વિખવાદને સાફમાં ખર્ચી નથી. આનું પરિણામ એ આવ્યું છે કે હવે નાના કાર્યકરો પણ નેતાઓ સામે ધૂરકીયા કાઢતા થઈ ગયા છે.
ગમે તે હોય આનંદીબેન પટેલ પાસે અડગતા હતી, જે પાટીદાર અનામત આંદોલન સમયે દખાઈ. જોકે, એ અડગતા ભાજપ માટે નુકશાનકાર બની પણ વહીવટમાં કામ લાગી હતી. આનંદીબનેની વહીવટ પર પકડ હતી અને અધિકારીઓ ફફડતા હતા. આજે અધિકારી રાજમાં મંત્રીઓ અને ધારાસભ્યોને સચિવલાયમાં બિચારા બાપડા બનીને ફરવું પડે છે. કામનો નિકાલ ન આવે તો સરકાર સામે બાંયો ચઢાવવી પડે છે. એ જુદી વાત છે કે આવી નાની-મોટી ઘટનાઓ છાપાના પાને ચઢતી નથી. વિજય રૂપાણી, નીતિન પટેલ અને જીતુ વાઘાણીની ત્રિપુટી સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને આ નેતાગીરી ભાજપ માટે ફાયદાકારક કરતા નુકશાનકારક વધુ હોવાનું ભાજપના વર્તુળો જણાવી રહ્યા છે.