વલસાડ જિલ્લાના ધરમપુરના અવાર-નવાર ભૂકંપના આચકા અનુભવાય છે. તાજેતરમાં આસુર ગામમાં બે વાર ભૂકંપના આંચકા લાગતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સમગ્ર વિસ્તારમાં વારંવાર અનુભવાતા ભૂકંપના આંચકના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધરમપુરમાં ભૂકંપ માપક યંત્ર એટલે અર્થ ક્વેક મિસરીંગ મશીન(સિસ્મો મીટર) મૂકવામાં આવ્યું છે.
ધરમપુરની મામલતદાર કચેરીમાં મશીન મૂકવામાં આવતા હવેથી ધરમપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં છાશવારે અનુભવાતા ભૂકંપના આંચકાને મશીન રેકોર્ડ કરશે. આ અંગે ધરમપુરના મામલતદાર ગણપત પરમારે જણાવ્યું કે ભૂકંપ માપક યત્ર મૂકવાથી ધરમપુર અને આજુબાજુના વિસ્તારોમાં અનુભવાતા ભૂકંપની ઝટકાને આ મશીન રેકોર્ડ કરશે અને કેટલા રિચર સ્કેલ પર આંચકો લાગ્યો હતો તે પણ જાણી શકાશે.
તેમણે કહ્યું કે ગાંધીનગરથી ભૂગર્ભ ટીમ આવી હતી અને ચાર દિવસ પહેલાં આવેલા ભૂકંપના આંચકાનો અભ્યાસ કર્યો હતો. ભૂકંપ માપક યંત્ર થકી ધરમપુરની આજુબાજુના 50થી 100 કિમી વિસ્તારમાં ઘરતીની અંદપથી તમામ હલચલને મશીન રેકોર્ડ કરશે. મશીન દ્વારા ભૂકંપના ડેટાનો પણ અભ્યાસ કરવામાં આવશે.
તેમના જણાવ્યા પ્રમાણે હાલમાં આવેલા આંચકાની ઉંડાઈ એટલી બધી ન હતી અને લોકોએ ગભરાઈ જવાની જરૂર નથી. ખાસ કરીને ચોમાસું પતી ગયા બાદ ધરતીમાં આવા પ્રકારની હિલચાલ જોવા મળે છે.