Gujarat કેડર બેઝ અને ડિસીપ્લીન માટે હકડેઠઠ ક્રેડિટ લેતા ગુજરાત ભાજપમાં આંતરિક અસંતોષનો દાવાનળ ભભૂકી રહ્યો છે. લોકસભાની ચૂંટણી સાગોપાંગ પાર પડ્યા બાદ એક પછી એક પ્રકરણો બહાર આવી રહ્યા છે. કેટલાક નેતાઓએ પત્રો લખ્યા છે કેટલાક નેતાઓએ ખૂલ્લેઆમ પાર્ટીની શિસ્તના લીરેલીરા ઉડાવી દીધા. આ બધામાં દાઝયા પર ડામ દેવા જેવી સ્થિતિ ઈફ્કોની ચૂંટણીમાં જેતપુરના ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાની જીતે સર્જી દીધી છે. ભાજપમાં આંતરિક સાઠમારી માથું ઉંચકી રહી હોવાનાં એંધાણ મળી રહ્યા છે અને આવનાર દિવસોમાં આ સ્થિતિ વધુ વણસશે એ વાતને નકારી શકાતી નથી. લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ પક્ષના અમુક નેતાઓ જાહેરમાં નારાજગી કે મતભેદો વિશે વાત કરતા થઈ ગયા છે, જે ભાજપમાં સામાન્ય રીતે પહેલા ન હતું બનતું.
એક તો જયેશ રાદડીયાએ કેન્દ્રીય પ્રધાન અમિત શાહની વાત ન માનતા ઈફકોની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને જીતી બતાવ્યું. બીજી બાજુ અમરેલીના ભૂતપૂર્વ સાંસદ નારાયણ કાછડીયાએ વ્યથા ઠાલવતા કહ્યું કે અમરેલીમાં કૉંગ્રેસમાંથી આવેલા બિનઅનુભવી ઉમેદવારને ટિકિટ આપી ભાજપને મતદારોનો વિશ્વાસ ગુમાવ્યો છે.
તેમણે એમ પણ કહ્યું કે પક્ષમાં ઘણા યોગ્ય ઉમેદવાર હોવા છતાં એવા ઉમેદવારને ઊભો રાખ્યો જે ગુજરાતી પણ બરાબર બોલી શકતો નથી. ભાજપે અમરેલીમાંથી કૉંગ્રેસમાંથી આવેલા નેતા ભરત સુતરીયાને ટિકિટ આપી હતી, જેની સામે કૉંગ્રેસના જેની ઠુમ્મર લડ્યા હતા. કાછડીયાના જણાવ્યા અનુસાર આ બેઠક પર ભાજપને દોઢ લાખ મતનો ફટકો પડશે.
બીજી બાજુ ઈફકોના ચેરમેન તરીકે ફરી ચૂંટાયેલા વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીએ ભાજપના પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલની ટીકા કરી હતી.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને માણાવદરની વિધાનસભાની બેઠકના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પણ ભાજપના જ નેતા જવાહર ચાવડાના પરિવારે પેટાચૂંટણી દરમિયાન પક્ષવિરોધી પ્રવૃત્તિઓની ફરિયાદ કરતો પત્ર સીઆર પાટીલ અને ભાજપના કેન્દ્રીય સચિવ રત્નાકરને મોકલ્યો હોવાનું જાણવા મળ્યું છે.
હવે આ મુદ્દે હવે ભાજપ નેતા અને સહકારી આગેવાન બાબુ નશિતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ઇફકોના ચૂંટણીમાં મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભર્યું અને ચુંટાયા. સી.આર પાટીલ પ્રમુખ બન્યા પહેલા સહકારી ક્ષેત્રમાં મેળાપીપણું ચાલતુ હતું. આ સાથે તેમણે ઉમેર્યું કે, આ બિપિન ગોતાની હાર નથી ભાજપની હાર છે.
ભાજપ નેતા અને સહકારી આગેવાન બાબુ નશિતે કહ્યુ કે, ઇફકોના ચૂંટણીમાં મેન્ડેટ વિરોધ ફોર્મ ભર્યું અને ચુંટાયા, સી.આર પાટીલ પ્રમુખ બન્યા પહેલા સહકારી ક્ષેત્રમાં મેળાપીપણું ચાલતુ હતું. કોંગ્રેસમાંથી આવેલ નરેન્દ્ર સિંહ જાડેજાને લોધીકા સંઘ આપ્યું. તેમણે ઉમેર્યું કે, તાલુકા ભાજપનો હું પ્રમુખ હતો ત્યારે મારી સામે શિસ્ત ભગંના પગલાં લીધા હતા. આ બિપિન ગોતાની હાર નથી ભાજપની હાર છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, જયેશ રાદડીયાને મત આપનારા 113 લોકો સહિત જયેશ રાદડીયા સામે પગલાં ભરવાની જરુર છે.
પક્ષના મેન્ડેટની વિરુદ્ધ જઈને ઇફકોમાં ચૂંટણી લડનાર જયેશ રાદડિયા પર ગંભીર આરોપ મૂકતા બાબુ નશિતે જયેશ રાદડિયાની ઉંદર સાથે સરખામણી કરતાં કહ્યું કે, જયેશ રાદડિયા ઉંદરની જેમ ચાલી રહ્યા છે. મારી સામે કાર્યવાહી થઇ છે તો અન્ય લોકો પર પણ થવી જોઇએ. હું તાલુકા ભાજપનો પ્રમુખ હતો ત્યારે ઉલ્લંઘન બદલ પગલાં લેવાયા હતા. આ સાથે બાબુ નશિતે દિલીપ સંઘાણી અંગે પણ નિવેદન આપ્યું હતું.
રાદડિયાની જીત બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે એક નિવેદનમાં કહ્યું કે, સહકારી ક્ષેત્રે ઇલું ઇલુ ચાલે છે.
કહેવાય છે કે પોરબંદર લોકસભા મતવિસ્તારમાં જ્યારે કેન્દ્રિય ગૃહ મંત્રી ગયા ત્યારે પોતાના જ સંબંધી બિપિન ગોતાને ઇફફો માટે મેંડેંટ અપાઈ ચૂક્યો હતો. જામકંડોરણામાં બંધ બારણે અમિત શાહે ઇફ્કોમાંથી નામાંકન પરત લેવા રાદડિયાને જણાવ્યુ હતું. પણ કહેવાય છે કે રાદડિયાએ ચોખ્ખો નનૈયો ભણી દીધો.
અમરેલીમાં ભાજપના ત્રણ ટર્મ સાંસદ નારણ કાછડિયાએ ખુલ્લો મોરચો માંડ્યો છે. ભાજપ દ્વારા ભરતી મેળાના નામે કોંગ્રેસ- આપમાથી આવતા કાર્યકરોની આવ-ભગત અને સીધા હોદ્દા આપવાની પ્રક્રિયાથી નારણ કાછડિયા નારાજ થયા છે, અમરેલી બેઠક પર બિલકુલ ઓછું મતદાન,અને મતદારોની ઉદાસીનતાનું એક મોટું કારણ ભરત સુતરિયાને ભાજ્પમાંથી અપાયેલી ટિકિટ ગણાવી હતી. કાછડિયાએ કહ્યું કે,’ પાર્ટીએ જે સિલેકશન કર્યું છે તે અમરેલીની 23 લાખની વસતી અને સાડા સત્તર લાખ મતદારોનો દ્રોહ કર્યો છે.
તેમણે એ પણ ઉમેર્યું કે, કાછડિયાએ વધુમાં કહ્યું હતું કે, દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડો. કાનાબાર હતા, હિરેન હિરપરા, કેશુભાઈ નાકરાણી જેવા ભાજપ પાસે અનેક મજબૂત ચહેરા હતા. પરંતુ, જે વાત ન કરી શકે, ગુજરાતીમાં ઈન્ટરવ્યૂ ન આપી શકે એવી વ્યક્તિને ટિકિટ આપીને તમે ભાજપના કાર્યકર્તાનો દ્રોહ કર્યો છે. એ કહેવામાં મને જરા પણ અતિશયોક્તિ નથી.
નારણ કાછડિયાએ સીધો પ્રહાર કરતાં ઉમેર્યું કે, કોંગ્રેસ કે આપમાંથી સવારમાં આવે, બપોરે હોદ્દો મળે, બીજા દિવસે કેબિનેટ મંત્રીના પદ મળે, સંગઠનના પદ મળે, ધારાસભ્યની ટિકિટ મળે તો ભાજપના સાંસદ તરીકે પાર્ટીમાં રહો તેનો અમને કોઈ વાંધો નથી. આપણે સરવાળો કરવાનો છે બાદબાકી નહીં પણ ભાજપના કાર્યકર્તાના ભોગે નહીં. ભાજપનો કાર્યકર્તા 35-35 વર્ષથી ભાજપના ઝંડા લગાવતો હોય, નારા લગાવતો હોયો અને કાલે સવારે જેને લાવો તે સ્ટેજ પર બેસતો હોય અને સિનિયર કાર્યકર્તા સામે બેસે તે કેટલે અંશે વાજબી છે?’જે વાત ન કરી શકે એવી વ્યક્તિને ટિકિટ આપી કાર્યકર્તાઓનો દ્રોહ કર્યો છે’
અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાના નિવેદનના કલાકોમાં જ માણાવદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી એ પોતાની જ પાર્ટીના પૂર્વ મંત્રી પર સણસણતા આરોપ મઢી દીધા છે. અરવિંદ લાડાણીએ સીઆર પાટીલને પત્ર લખીને ભાજપના નેતાઓની ફરિયાદ કરી છે. ભાજપના અનેક નેતાઓએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાનો ગંભીર આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે.
ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી કોંગ્રેસ બેઠક પર ચૂંટાઈને આવ્યા હતા. પરંતુ લોકસભા ચૂંટણી પહેલા જ ભાજ્પ શરણ થયા. આ પહેલા જવાહર ચાવડા માણાવદર બેઠક પરથી વરસો સુધી પોતાનો દબદબો જાળવી ચૂક્યા હતા. માણાવદરમાં કોંગ્રેસ એટલે જવાહર ચાવડા જ કહેવાતું. ચાવડાનો કોઈ વિકલ્પ પણ કોંગ્રેસ પાસે નહતો તેટલું પ્રભુત્વ હતું. તેમણે ભાજપમાં રહીને પોતાને હરાવવા કોંગ્રેસનાં ઉમેદવારને મદદ કર્યાનો આરોપ મઢતો પત્ર ભાજપ પ્રદેશ અધ્યક્ષા સી આર પાટિલેને લખ્યો છે. પત્રમાં જણાવાય મુજબ 4 મેના રોજ કાર્યકર્તાઓને ભાજપ ઉમેદવાર વિરૂધ્ધ મતદાન કરવા બેઠક બોલાવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
માણાવદર તાલુકા પંચાયતન ભાજપ પ્રમુખ ગોવિંદ સવસાણી મહામંત્રી જગદીશ મારૂ, જુનાગઢ જિલ્લા પંચાયતના બાળવિકાસ સમિતિ અધ્યક્ષ રીનાબેન મારડીયાના સસરા, માણાવદર શહેર ભાજપ મહામંત્રી વિક્રમસિંહ ચાવડાએ પણ ખુલ્લે આમ ભાજપ વિરુદ્ધ કામ કર્યાનો આરોપ પત્રમાં કર્યો છે.