સાપુતારાથી અમદાવાદ જઇ રહેલી બસની બ્રેક ફેઇલ થઇ જતા ઘાટ પાસે એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી જેમાં બે મુસાફરોના મોત થયા છે અને 4 ને ગંભીર ઇજા થતા સામગહાન સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે સાપુતારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શનિદેવ શિરડીના દર્શન કરીને અમદાવાદની લકઝરી બસ સાપુતારાથી અમદાવાદ જવા નિકળી ત્યારે ગુરુવારે બપોરે 12ના સુમારે સાપુતારાથી 3 કિ.મી. દુર આવેલા માલેગાંવ ગેસ્ટ હાઉસ પાસે આવેલા બસની બ્રેક ફેઇલ થઇ જતા એક ઝાડ સાથે ભટકાઇ હતી જેમાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જયારે 10 લોકોને ઇજા થતા શામગહાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 4ની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માતને પગલે આસપાસના લોકો મદદે આવ્યા હતા અને બસનું પતરું ચિરીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
સાપુતારા પોલીસ સ્ટેશનના બંસીલાલે કહ્યુ હતું કે સાપુતારા ઘાટ પાસે માલેગાંવ ગેસ્ટ હાઉસ નજીક એક વળાંક આવે છે ત્યાં સાપુતારાથી અમદાવાદ જઇ રહેલી gj-1 bv9540 નંબરની લકઝરી ઝાડ સાથે ભટકાઇ હતી જેમાં બેના મોત થયા છે. બ્રેક ફેઇલ થવાને કારણે અકસ્માત થયો હતો. મોતને ભેટનારા મયુર પરમાર અને રાકેશ ચુનારા બનેં અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.