શહેરોના નામ બદલાવની ફેશન વચ્ચે ઈતિહાસકારો અન કેટલાક પોલિટીશિયનોના નામ બદલાવા સુધીની વાત હવે આવી ગઈ છે. તાજેતરમાં ઈલાહાબાદ અને ફૈઝાબાદના નામ બદલાઈ ગયા અને અમદાવાદનું નામ બદલવાની વાત ચાલી રહી છે ત્યારે ઈતિહાસકાર ઈરફાન હબીબે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની અટકને ફારસી મૂળની ગણાવી છે.
ઈરફાન હબીબે કહ્યું કે ‘શાહ’ સરનેમ સંસ્કૃતમાંથી આવતી નથી. આ ઈરાની ભાષામાં વપરાય છે. ફારસીમાં રાજાને શાહ કહેવાય છે. મુન્શી, મજૂમદાર વગેરે અનેક આવી અટક છે જે ફારસી કે અન્ય ભાષામાંથી આવે છે.
એએમયુના એમરેટ્સ પ્રોફેસર ઈરફાન હબીબે કહ્યું કે શહેરોના નામ બદલવા એ હિન્દુત્વની ફિલોસોફીને લાગૂ કરવાની યોજના છે. સરકાર દર્શાવવા માંગે છે કે આ શહેરોમાં કદી હિન્દુ-મુસ્લિમ કે મુઘલ બાદશાહ હતા જ નહીં. મુધલોએ ઈલાહાબાદનો કિલ્લો બનાવ્યો અને આગ્રામાં તાજમહેલ બનાવ્યો.
તેમણે કહ્યું કે વાજપેયીના સમયથી લખનૌનું નામ લક્ષ્મણપુરી કરવાની વિચારણા ચાલે છે. પણ જ્યારે વાજપેયીએ એવું કહ્યું કે મને લખનૌએ જીતાડ્યો અને હું લખનૌનું પ્રતિનિધિત્વ કરું છું ત્યારે આ વાત દબાઈ ગઈ હતી. જો ફૈઝલાબાદનું નામ ફારસી હોવાના કારણે બદલાયું તો આ સમજથી પર બાબત છે.
તેમણે કહ્યું કે ભાજપના નેતાઓએ પ્રથમ પોતાના નામ બદલી નાંખવા જોઈએ. અમિત શાહ કરતા ઝમીરુદ્દીન શાહ સારું નામ છે. જો અમિત શાહ પ્યોર ભારતીય છે તો પોતાનું નામ બદલી નાંખે.
યુપીમાં ભાજપના મંત્રી ઓમપ્રકાશ રાજભરે પણ કહ્યું છે કે ભાજપ પોતે પોતાના નેતાઓના નામ બદલી નાંખે. મુખ્તાર અબ્બાસ નકવી, શાહનવાઝ હુસૈન અને મોહસીન રઝાના નામ બદલવા જોઈએ, પછી શહેરોના નામ બદલો. ફૈઝાબાદ અને ઈલાહાબાદ નામ બદલવા સામે ઓમપ્રકાશ રાજભરે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
87 વર્ષીય ઈતિહાસકાર ઈરફાન હબીબે કહ્યું કે અમિત શાહની અટક ઈસ્લામિક મૂળમાંથી આવે છે. ‘શાહ’ એ ફારસી શબ્દ છે. જો તેઓ કોઈ નામ બદલાવ માંગે છે તો પ્રથમ પોતાનું જ નામ બદલવું જોઈએ અને ત્યાર બાદ શહેરોના નામ બદલવા જોઈએ.