સ્વતંત્ર ભારતમાં એકમાત્ર જીવિત અને વાંસદા સ્ટેટના મહારાજા સાહેબનું નિધન થયું છે. વાંસદા સ્ટેટના મહારાજા દિગ્વિરેન્દ્રસિંહ સોલંકીનું 93 વર્ષની જૈફ વયે નિધન થયું છે. વાપી ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહારાજા સાહેબનું નિધન થયું હતું.
વિગતો મુજબ દેશના બધા રજવાડા એક થયા બાદ અત્યારે એક માત્ર વાંસદાના મહારાજ સાહેબ જ હયાત હતા. જોકે, થોડા દિવસથી તેમની નાદુરસ્ત તબિયતના કારણે તેમને વાપીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું. તેઓ સખાવતી અને આદર્શ જીવન જીવતા હતા.
મહારાજા દિગ્વિરેન્દ્રસિંહ સોલંકી 94 વરસનું ભરપૂર જીવન જીવી વિદાય થયા.એમના અવસાન સાથે કદાચ ઇતિહાસનું એક વિરલ પ્રકરણ સમાપ્ત થયું.દેશી રજવાડાંએ સરદાર સાહેબને ભારત ગણસંઘમાં સામેલ થવાનાં ખત પર સહીઓ કરી તે પૈકી જોડાણખત પર સહી કરનાર એકમાત્ર જીવંત રાજા આ હતા.10 જૂન,1948ના રોજ તેમણે જોડાણખત પર સહી કરેલી.
દિગ્વિરેન્દ્રસિંહજી પર રાજાપણું ચઢેલું ન હતું.એકદમ યુવાવયે રાજ્યાભિષેક થયેલો, પણ રાજાશાહી દૂષણ તેમને વળગેલાં નહીં.રજવાડું હતું ત્યારેય ભારે પ્રજાવત્સલ રાજા હતા. મહારાજા બહુશ્રુત હતા.પર્યાવરણ,વન્યપ્રાણી સૃષ્ટિ,ચિત્રકલા,સંગીત, રાયફલ શૂટીંગ સહિત અનેક વિષયોમાં તેમની મહારત હતી.બંસરી સરસ વગાડતા.એમનાં દોરેલાં ચિત્રો દિગ્વીર નિવાસ પેલેસમાં છે. ટ્રેપ શૂટીંગના એ સ્ટેટ ચેમ્પિયન હતા.
મહારાજાએ વાંસદામાં હરણ અભયારણ્ય વિકસાવ્યું છે. સોલંકી વંશના વાંસદા સ્ટેટનાએ 22 મા નરેશ હતા.એક વખતે વાંસદાથી ઉમરગામ સુધી વાંસદા નરેશની આણ અને હાક ચાલતી. હવે 23મા નરેશપદે જયવિરેન્દ્રસિંહ સોલંકી બેસશે.
વાંસદાના છેલ્લા શાસકે ભારતીય સંઘમાં ભળી જવા માટે 10 જૂન 1848 ના રોજ સંમતિ દર્શાવી હતી. 1829 પછી વાંસદાના શાસકોને “મહારાજા સાહેબ”નું બિરુદ મળ્યું હતું. વાંસદા રજવાડું એ બ્રિટિશ રાજ સમયનું ભારતનું એક રજવાડું હતું. તે બોમ્બે પ્રેસિડેન્સીની સુરત એજન્સી હેઠળ હતું.
સન 1939માં જયારે 51મુ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન હરિપુરા ખાતે મળ્યું હતું. જેમાં વાંસદાના મહારાજાએ આર્થિક મદદ કરી હતી. હરિપુરા કોંગ્રેસ અધ્યક્ષ સુભાષબાબુ માટે વાંસદા રાજ્યનો રથ શણગારીને મોકલ્યો હતો. જેમાં એકાવન જોડી બળદોને જોડી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વાંસદા રજવાડાની સ્થાપના 1781માં વીરસિંહજીએ કરી હતી અને તેનું પાટનગર વાંસદા હતું. તેના શાસકો સોલંકી વંશના રાજપૂત હતા.