છેલ્લા ધણા સમયથી રામ મંદિર- બાબરી મસ્જિદના વિવાદ મુદ્દે હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જાન્યુઆરીમાં આ અંગે ફરીથી સુનાવણી થશે. પરંતુ આ પહેલા જ દક્ષિણપંથી સંગઠનોએ સરકાર પર દબાણ લાવવાનું શરૂ કરી દીધું છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ), વિશ્વ હિંદુ પરિષદ(વીએચપી) અને અન્ય સંગઠનો રામલીલા મેદાનમાં 9 ડિસેમ્બરે રેલીનું આયોજન કરવા જઇ રહ્યા છે. સંસદમાં શિયાળુસત્ર પહેલા આ રેલી અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. આ રેલીમાં લગભગ 8 લાખ લોકો જોડાવવાની સંભાવના છે. સાધુ-સંતો સિવાય આ રેલીમાં આરએસએસના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હશે. સુપ્રીમ કોર્ટે રામ મંદિર અંગે સુનાવણી જાન્યુઆરી સુધી લંબાવ્યા બાદથી આ મુદ્દાને કારણે રાજકારણ ગરમાયું છે
નિષ્ણાતોના મતે અયોધ્યા ભૂમિ વિવાદ મામલે સુનાવણી 2019ની લોકસભા ચૂંટણી બાદ જ થવી જોઇએ કેમકે આની સીધી અસર મતદાતાઓ પર પડશે. 9 ડિસેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનારી આ રેલી ઉપરાંત આરએસએસ અયોધ્યા, નાગપુર અને બેંગલુરુમાં પણ જન આગ્રહ રેલીનું આયોજન કરશે.