કર્ણાટકના પૂર્વ મંત્રી અને ખનન માફિયા તરીકેની છાપ ધરાવતા જી.જનાર્દન રેટ્ટીની પોંજી કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. બેંગ્લુરુની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ સીપી આલોક કુમારે જણાવ્યું કે મજબૂત પુરાવા અને સાક્ષીઓની જૂબાની બાદ જનાર્દન રેડ્ડીની ધરપકડ કરવામાં આવી છે. જનાર્દન રેડ્ડી પર મની લોન્ડરીંગ અને મુખ્ય આરોપી સાથે રૂપિયાના વ્યવહાર કરવાનો આરોપ છે. રેડ્ડી ઉપરાતં તેના સાથી મેહફુઝ અલી ખાનને પણ પોલીસે જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.
અત્રે નોંધનીય છે કે ત્રણ દિવસ સુધી ગાયબ થઈ ગયા બાદ જનાર્દન રેડ્ડી પોલીસ સમક્ષ હાજર થયો હતો. રેડ્ડીએ આરોપોને રાજકીય પ્રેરિત હોવાનું જણાવ્યું હતું. ફરાર થયેલો રેડ્ડી પોતાના વકીલોના કાફલા સાથે ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યો હતો. આ પહેલાં વીડિયો પ્રસારિત કરી રેડ્ડીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં પોલીસ સમક્ષ હાજર થશે.
કર્ણાટકમાં ભાજપની યેદુરપ્પા સરકારમાં મંત્રી રહેલો રેડ્ડી પર કરોડો રૂપિયાની હેરાફેરી કરવાનો આરોપ છે. તેની વિરુદ્વ શોધ અભિયાન પણ કરવામાં આવ્યું હતું. રૂપિયાની હેરાફેરી પોંજી કૌભાંડ સાથે સંકળાયેલી છે. ક્રાઈમ બ્રાન્ચે તેના સાથી અલી ખાનને પણ પકડી લીધો છે. બન્ને જણાએ ભેગા થઈને ઈડીની તપાસમાંથી બહાર લાવવા માટે એમ્બીડેન્ટ માર્કેટીંગ લિમિટેડના સૈયદ અહેમદ ફરીદ પાસેથી 20 કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો. એમ્બીડેન્ટ માર્કેટીંગ લિમિટેડનું નામ કરોડો રૂપિયાના પોંજી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે લેવામાં આવે છે.