ભારતને 2011 વર્લ્ડકપ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ગુજરાતના ફાસ્ટ બૉલર મુનાફ પટેલે ઇન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે. 35 વર્ષીય મુનાફે કરિયરમાં 13 ટેસ્ટ, 70 વન-ડે અને 3 T-20 મેચ રમી છે. જોકે, મુનાફ ક્રિકેટનું ગ્રાઉન્ડ નહી છોડે. તે આગામી T10 લીગનો ભાગ રહેશે, જેમાં તે રાજપૂતની ટીમ માટે રમતો દેખાશે.
મુનાફે 2006માં ઇંગ્લેન્ડ સામે મોહાલી ટેસ્ટમાં ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. તેના એક મહિના બાદ જ તેને પ્રથમ વનડે રમી હતી. તે 2006-11 દરમિયાન ટીમ ઇન્ડિયાનો નિયમિત સભ્ય રહ્યો. જોકે, ઈજાને લીધે તે વાંરવાર ટીમની અંદર-બહાર થતો રહ્યો. મુનાફે પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ 2011માં રમી હતી. 2011 વર્લ્ડ કપમાં ભારતના બૉલિંગ કોચ રહેલા એરિક સિમન્સે મુનાફને ‘અજ્ઞાત યોદ્ધા’નું બિરુદ આપ્યું હતું.
મુનાફે શનિવારે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી. તેણે લખ્યુ કે, ”હેલો ફ્રેન્ડ્સ, હું નિવૃતિ લઇ રહ્યુ છુ અને મને તેનો કોઇ અફસોસ નથી. મેં જે ખેલાડીઓ સાથે ક્રિકેટ રમ્યુ તે બધા નિવૃતિ લઇ ચૂક્યા છે, માત્ર ધોની રમી રહ્યો છે. બધાનો સમય પૂરો થઇ ગયો છે. મારી ઉંમર થઇ ચૂકી છે અમે ફિટનેસ પણ સાથ નથી આપી રહી.”