દિવાળી હર્ષ અને ઉલ્લાસનો તહેવાર છે. પરંતુ મેરઠમાં એક એવો બનાવ બન્યો છે જેણે તમામ લોકોને હચમચાવી દીધા છે. મેરઠમાં એક ત્રણ વર્ષની બાળકીના મોઢામાં સુતળી બોમ્બ રાખીને ફોડવાની ઘટના સામે આવી છે. મેરઠમાં એક છોકરાએ મંગળવારે રાત્રે બાળકીના મોઢામાં બોમ્બ રાખીને દિવાસળી સળગાવીને તેના મોઢામાં બોમ્બ ફોડ્યો હતો. આ ઘટનામાં બાળકીને ખુબ ગંભીર ઈજા પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે કાળી ચૌદસના દિવસે મેરઠના મિલક ગામમાં આ દુર્ઘટના ઘટી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધીને તપાસ કામગીરી હાથ ધરી છે. બાળકીના પિતા શશિકુમારે જણાવ્યું કે, તેઓ સોમવારે સાંજે ઘરે જ હતા. તેમની ત્રણ વર્ષની દીકરી આયુષી ઘર આગળ રમી રહી હતી. ત્યારે હરપાલે બાળકીના મોઢામાં સુતળી બોમ્બ મૂકીને આગ લગાવી દીધી. બોમ્બ ફૂટતા જ બાળકીના મોઢાના ફૂરચે ફૂરચા ઊડી ગયા. બાળકીને મોઢામાં 50 ટાંકા આવ્યા છે. તેમજ તેના ગળામાં ઈન્ફેક્શન લાગી ગયુ છે. હાલમાં બાળકીની સારવાર ચાલી રહી છે.