ઈરાદાપૂર્વક બેન્કનું દેવું નહીં ચૂકવાનરાઓની યાદી અંગે ખુલાસો નહીં કરવા બાબતે સેન્ટ્રલ ઈન્ફર્મેશન કમિશન(CIC) દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના ગવર્નર ઉર્જિત પટેલને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે. સાથે સાથે CICએ વડાપ્રધાન ઓફીસ, નાણા મંત્રાલય અને આરબીઆઈને કહ્યું છે કે સલવાઈ ગયેલા દેવા અંગે પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના પત્રને સાર્વજનિક કરવામાં આવે. જોકે, સરકાર તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ કોર્પોરેટ અફેર્સના સચિવ ઈન્જેતી શ્રીનિવાસે કહ્યું છે કે કોઈ પણ બેન્ક ડિફોલ્ટરની યાદીને જાહેર કરવા અગે કોઈ વાંધો હોવો જોઈએ નહીં.
અત્રે નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં 50 કરોડ કરતાં વધુ લોન લેનારા અને જાણી જોઈને લોન ભરપાઈ નહીં કરાનારા લોકોના નામો અંગે આરબીઆઈ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા CICએ ઉર્જિત પટેલને ખુલાસો કરવાનું કહ્યું છે કે કોર્ટના આદેશનું પાલન નહીં કરવા બદલ શા માટે દંડ કરવામાં નહીં આવે.
જોકે. નાણા મંત્રી અરુણ જેટલીએ આ અંગે કશું પણ બોલવા સંબંધે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. દિલ્હીમાં કોમ્પીટીશન ઓફ ઈન્ડીયાની કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા નાણા મંત્રી જેટલીના રિએકશન જાણવાનો મીડિયા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેમણે મીડિયાને કોઈ દાદ આપી નહતી.