નવસારીના સાંસદ સીઆર પાટીલ એક એવા સાંસદ છે જેઓ પ્રજાકીય કાર્યોમાં સતતને સતત રચ્યા-પચ્યા રહે છે. સરકારની યોજના હોય કે પછી કોઈને સહાયભૂત થવાનું હોય. સાંસદ સીઆર પાટીલ હરહંમેશ લોક સેવા માટે અગ્રેસર જોવા મળે છે. નવસારીના સાંસદ તરીકે કેન્દ્ર સરકારની યોજનાઓને ગામે ગામ સુધી પહોંચાડી લોકોને વધુમાં વધુ ફાયદો-લાભ મળે તેવા પ્રયત્નો કરવાની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી છે. વડાપ્રધાન મોદીએ સાંસદ સીઆર પાટીલની કામ કરવાની ભાવના અને કર્મનિષ્ઠાની ભરપૂુર સરાહના કરી છે. એક નહીં પણ બબ્બે ટવિટ કરી વડાપ્રધાન મોદીએ સાંસદ સીઆર પાટીલની પ્રશંસા કરી છે અને અન્ય સાંસદોને પણ તેમાંથી પ્રેરણા લેવાની શીખ આપી છે.
સાંસદ સી.આર. પાટીલ પોતાના કાર્યક્ષેત્ર નવસારીના અંતરયાળ ગ્રામીણ વિસ્તારમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના કરી રહેલા અમલીકરણ અને એ પછી લાભકર્તાઓએ વ્યક્ત કરેલા પ્રતિભાવોની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહર્ષ નોંધ લઇને દેશના અન્ય સાંસદોને નવસારીના સાંસદ સી.આર. પાટીલની જેમ કામગીરી કરવા માટે સૂચન કર્યું છે. વડાપ્રધાને ઉજ્જવલા યોજના અને આયુષ્માન ભારત યોજના અંગે લોક જાગૃતિનું કાર્ય કર્યું છે.
આ અંગે વાત કરતાં સાંસદ સીઆર પાટીલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમારા પ્રયત્નોની નોંધ લીધી છે તે અમારા માટે ગૌરવની વાત છે. વડાપ્રધાન મોદીએ લોકોને લાભ આપતી, લોકોપયોગી યોજનાઓ બનાવી છે જે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ.